વ્યાજ-વટાવનો ધંધો કરતા પોલીસે યુવકને મારતા મોત

વડોદરા/પાદરા : જિલ્લાના પાદરા તાલુકાના મજાતણ ગામમાં પૈસાની લેતી દેતી મામલે પોલીસ કોન્સ્ટેબલે માર માર્ર્યા બાદ યુવકનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતકના પરિવારજનોએ કોન્સ્ટેબલની પત્ની પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ તેની ઉઘરાણી કરવા આવીને કોન્સ્ટેબલ દ્વારા માર મારવાને કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. જેને પગલે ડીએસપીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતણ ગામમાં રહેતા અભેસિંગ પઢીયાર નામના યુવકને પૈસાની લેતીદેતી બાબતે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. પાદરા નજીક આવેલા વડુ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ નવનીત ચાવડાની પત્ની ઊંચા વ્યાજે રૂપિયા આપતી હતી. મજાતણ ગામના યુવક અભેસિંગ પઢીયારે પોલીસ કોન્સ્ટેબલની પત્ની પાસેથી ૨૦ ટકા વ્યાજે ઉછીના રૂપિયા લીધા હતા.

જોકે યુવક સમયસર રૂપિયા પરત નહી આપી શકતા ગઇકાલે ઉછીનાર રૂપિયા પરત લેવા માટે પોલીસ કોન્સ્ટેબલ ચાલુ નોકરીએ પોતાની પત્નીને લઇને યુવકના ઘરે પહોંચી ગયા હતા. આ સમયે પોલીસ કોન્સ્ટેબલે એક બંધ રૂમમાં અભેસિંગ પઢીયાર સાથે રૂપિયા પાછા લેવા માટે વાટાઘાટો કરી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નવનીત ચાવડા યુવકને બીજા રૂમમાં લઇ ગયો હતો અને અંદરથી બારણું બંધ કરીને યુવકને ઢોર માર માર્યો હતો.

ત્યારબાદ સ્થળ પર જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઇ રાજેન્દ્રસિંગ પઢિયારે જણાવ્યું હતું કે, મારા ભાઇનું મૃત્યુ કોન્સ્ટેબલના માર મારવાથી થયું છે. આ મામલે અમે ડીએસપીને રજૂઆત કરી છે અને મારા ભાઇના હત્યારાને સજા મળે તેવી અમારી માગણી છે. મૃતક યુવાનના આ મામલે ડીએસપીને મૃતક પરિવારજનોએ ફરિયાદ કરી હતી. જેથી ડીએસપીએ આ સમગ્ર મામલાની તપાસ વડુ પોલીસ મથકને સોંપી છે.

પોલીસે મૃતક યુવાનના મોતનું સાચુ કારણ જાણવા માટે પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. વડુ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે. જાટે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જે તથ્યો સામે  આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

You might also like