અભિનયસમ્રાટનો ‘અભિયાન’ સાથે સીધો સંવાદ

યાદ છે…! પોલિયોની ‘દો બૂંદ’ જાહેરાત. ભારતમાં આજે પોલિયો નામશેષ થઈ ગયો છે. તેની પાછળ ચોક્કસ વિશ્વ આરોગ્ય સંસ્થા અને સ્વાસ્થ્ય મંત્રાલયની મહેનત જવાબદાર છે પણ ઘર ઘરમાં પોલિયોનાં બે ટીપાં પીવડાવવાનો વિશ્વાસ અમિતાભ બચ્ચને અપાવ્યો હતો. લોકો પોલિયોની પેટી જોઈને ભાગી જતા હતા પણ ટીવી પર અમિતાભનો અવાજ સાંભળીને ગામડાંમાં લોકો કહેતાં કે, “અમિતાભ કહે છે એટલે પોલિયોનાં ટીપાં બાળકને પીવડાવવાં જ જોઈએ.”

આ એક કલાકારે સ્થાપેલો વિશ્વાસ અને પ્રતિષ્ઠા છે. પડદા પર તો અનેક કલાકારો આવે અને જતાં રહે પણ ઘણાં નામ એવાં હોય છે જે દાયકાઓ સુધી નહીં પણ યુગો સુધી અમર બની જતાં હોય છે. પૃથ્વી પરના સૌથી લોકપ્રિય નટસમ્રાટનો ખિતાબ વિશ્વવિખ્યાત બીબીસીએ આપ્યો છે. આ મહાનાયકના જીવનમાં ત્રણ રાજ્યોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર. અલાહાબાદ તેમની જન્મભૂમિ છે, મુંબઈ કર્મભૂમિ છે તો કોલકાત્તા સંઘર્ષભૂમિ છે. તેમને અભિનય કરવાનો શોખ તો બાળપણથી જ હતો અને ભાઈ અજિતાભ તેને સતત પ્રેરણા આપતા રહેતા, પરંતુ ત્યારે સિનેવર્લ્ડમાં એન્ટ્રી મેળવવી આજના જેટલી આસાન ન હતી. ઠેરઠેર સિને પરિવારોનો ઈજારો હતો.

અમિતાભને હીરો બનવું હતું પણ સૌ કોઈ જાણે છે કે તેમની ઊંચાઈ અને તેમનો અવાજ વચ્ચે આવતો હતો. જે અવાજના આજે મલ્ટિનેશનલ કંપનીઓ કરોડો રૂપિયા આપે છે એ અવાજને ઓલ ઈન્ડિયા રેડિયોએ નકારી દીધો હતો. નોકરી માટે અનેક રઝળપાટ કરી પણ ક્યાંય એટલે ક્યાંય મેળ નહોતો પડતો. એવા સમયે એક સ્નેહીજને કહ્યું કે કોલકાત્તામાં નોકરી મળી જવાની પૂરી શક્યતા છે.

તેમની લેટેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પીકુ’ની પૃષ્ઠભૂમિ બંગાળની જ હતી અને આ ફિલ્મ માટે તેમને નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. ટૂંક સમયમાં રજૂ થનારી ‘તીન’ ફિલ્મનું શૂટિંગ પણ કોલકાત્તામાં થયું હતું. કોલકાત્તા સાથેના લગાવને વર્ણવતાં અમિતાભ કહે છે કે, “જીવનની પ્રથમ નોકરી મને આ શહેરમાં મળી હતી. ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે હું ઘણી જગ્યાએ ગયો પણ કોઈને મારામાં રસ ન પડ્યો. જ્યાં સમાચાર મળે ત્યાં નોકરીની અરજી કરું પણ ન મળી.

ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ પ્રયાસ કર્યો પણ નિષ્ફળતા મળી. કોઈએ મને કહ્યું કે ગ્રેજ્યુએટ હોય અને જેઓ સારું ભણ્યાં હોય તેમને કોલકાત્તામાં નોકરી મળી જાય. એટલે મેં કોલકાત્તાનો માર્ગ પકડ્યો અને મને નોકરી મળી ગઈ અને સાતેક વર્ષ આ શહેરમાં વીતાવ્યાં. દરેક વ્યક્તિ માટે એ અનુભવ યાદગાર હોય છે. આ શહેરે મને ઘણું શીખવ્યું છે. કોલકાત્તા છોડ્યા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય બની ગયો પણ કોલકાત્તા અનેક ફિલ્મ માટે આવવાનું થયું છે. જ્યારે આવું છું ત્યારે અમુક યાદગાર જગ્યાએ જાઉં છું. દિવસમાં શક્ય ન હોવાથી રાતે પણ એ જગ્યાએ જાઉં છું ખરો.

જોકે તેમને બંગાળ એટલું પસંદ આવ્યું કે જીવનસાથી (જયા બચ્ચન)ની પસંદગી પણ આ જ ક્ષેત્રમાંથી કરી. તેઓ કહે છે કે, “મને કોલકાત્તા એટલું પસંદ આવી ગયું કે ઘરમાં પણ બંગાળ (જયા) આવી ગયું. બંગાળના લોકો ખૂબ જ સ્નેહાળ અને હોનહાર છે. ખેલનું મેદાન હોય કે, સંગીતનું કે પછી કળાનું, દરેક ક્ષેત્રને તેઓ ખૂબ વિચારીને પસંદ કરે છે.

ગમે તેવી નિરાશા પ્રસરી ગઈ હોય પણ તમે આ લોકોને મળો એટલે તમારું મનોબળ વધી જાય છે.” આજે અમિતાભનું પડદા પર સૌથી પ્રચલિત નામ વિજય છે પણ જે પાત્ર થકી પ્રથમ નામના મળી એ બંગાળી હતું. ઋષિકેશ મુખર્જીની લાજવાબ-શાનદાર ફિલ્મ ‘આનંદ’માં તેમણે ડૉ.ભાસ્કર બેનર્જીનો રોલ કર્યો હતો. અલબત્ત, તેમની લેટેસ્ટ બ્લોકબસ્ટર સૂજિત સિરકરની ‘પીકુ’માં પણ બંગાળી પાત્ર ભાસ્કોર બેનર્જીનો જ રોલ કર્યો હતો.

મહાનાયક હાલમાં તેમની ફિલ્મ ‘તીન’ને લઈને દેશભરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કોરિયન થ્રિલર ડ્રામા ‘મોન્ટાજ’ પરથી બનાવવામાં આવી છે. અમિતાભ માટે તો હવે કોઈ એવી જેનર નથી કે તેમણે એ ક્ષેત્રનો રોલ ન કર્યો હોય. એ ૬૦ના વૃદ્ધ બનીને ૧૮ વર્ષની યુવતીને ‘નિઃશબ્દ’માં પ્રેમ કરી શકે છે તો ૧૪ વર્ષનો ઓરો બનીને ‘પા’માં હસાવી શકે છે. ‘તીન’ પહેલાં આ જ વર્ષે ‘વઝિર’ ફિલ્મ આવી હતી. જે રહસ્યોથી ભરપૂર હતી.

સસ્પેન્સ ફિલ્મને લઈને મહાનાયક કહે છે કે, “દરેક થ્રિલર ફિલ્મમાં એક સસ્પેન્સ અથવા તો રાઝ હોય છે. આ વસ્તુ દરેક ફિલ્મમાં કૉમન હોય છે. રોમાન્સ ફિલ્મમાં રોમાન્સ, એક્શન ફિલ્મમાં એક્શન કૉમન ફેક્ટર હોય છે, પરંતુ તેના પરથી એ કહેવું કે આ ફિલ્મ અગાઉની ફિલ્મને મળતી આવે છે, એ ખોટું છે. હા, ‘તીન’ સસ્પેન્સ ફિલ્મ છે પણ એવું નથી કે હું આવી જ ફિલ્મ પસંદ કરું છું. ફિલ્મમેકર મારી પાસે વાર્તા લઈને આવે છે અને હું પસંદ કરું છું. હું તો એ જ વિચારું છું કે એક નોકરી મળી ગઈ.”

આટલી પ્રસિદ્ધિ પછી પણ તેઓ યંગ ડિરેક્ટર, યંગ એક્ટર્સ અને યંગ જનરેશનને રિસ્પેક્ટ આપે છે. તેઓ ક્યારેય ફિલ્મપ્રક્રિયામાં હસ્તક્ષેપ નથી કરતા, પરંતુ જ્યારે તેમણે એવું કહ્યું કે એક નવી ફિલ્મ મળી એટલે કામ મળી ગયું ત્યારે તેમને પૂછવાનું ન થયું કે નોકરીની વાત જ નથી, મહાનાયક પાસે ક્યારેય કામની કમી થોડી હોય? જેમણે સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, સહકાર-તિરસ્કાર બહુ નજીકથી જોયાં છે એ બચ્ચન કહે છે કે, “મારા માટે આ એક પડકાર છે. હું આજે પણ એ વિચારી નથી શકતો કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પરંતુ ઘણાં એવા ગુણીજનો છે જેમને એ વિશ્વાસ છે કે હું આ કરી શકીશ.

હું એવું માનું છું કે એ લોકોને સારી રીતે ખબર છે કે તેઓ મારી પાસેથી શું કરાવી શકે છે. હું દર્શકોને ધન્યવાદ આપવા માગું છું, કારણ કે હવે તેઓ નક્કી કરવા લાગ્યા છે કે તેમને શું જોવું છે? તેમને સારી અને નવી વાર્તાઓની શોધ રહેતી હોય છે. દર્શકો એવી આશા રાખે છે કે સારી ફિલ્મો બનાવો નહીંતર અમે ફિલ્મો જોવા નહીં આવીએ. ટેલિવિઝન, ઈન્ટરનેટ-મોબાઈલના માધ્યમ પર અનેક પ્રકારનું મનોરંજન ઉપલબ્ધ છે. દુનિયાના કોઈ પણ દેશની ફિલ્મ જોવી હવે આસાન બની છે. હવે અમારા માટે એ મોટો પડકાર છે કે દર્શકોને બેડરૂમમાંથી બહાર કાઢીને થિયેટર સુધી કેવી રીતે લાવવા.”

ભારતીય સિનેમાના અનેક દિગ્ગજ કલાકારોએ હોલિવૂડમાં નામના મેળવી છે અને ખુદ બચ્ચનને હોલિવૂડ દિગ્ગજ દિગ્દર્શક બેઝ લુર્હેમેન્ને વિનંતી કરીને ફિલ્મ ‘ધ ગ્રેટ ગેસ્બી’માં રોલ કરાવ્યો હતો પણ બચ્ચન કહે છે કે, “હવે આપણી ફિલ્મોનો વિદેશી ફિલ્મો સામે મુકાબલો છે. ભારતીય માર્કેટમાં વિદેશી ફિલ્મોનું પ્રભુત્વ વધતું જાય છે. ૧૯૯૫માં એબીસીએલની શરૂઆત કરી ત્યારે કોર્પોરેટ હાઉસ શરૂ કરવાનો જ ખ્યાલ હતો. આ પહેલાં હું જ્યારે વિદેશ ગયો ત્યારે મોટાં મોટાં ફિલ્મ પ્રોડક્શન હાઉસ (ફોકસ સ્ટાર, વોર્નર બ્રધર્સ, સોની વગેરે વગેરે) તરફથી લેટર આવતા કે અમારે તમને મળવું છે અને એ અવસર તમે અમને આપો. ત્યારે મને આ મજાક લાગતી, કેમ કે આટલા મોટા લોકો આપણને શા માટે મળવા માગે? મારા એક વિદેશી કાનૂની નિષ્ણાત મિત્રની મદદ લઈને તેમને મળવા ગયો અને એક કલાક બેઠક ચાલી.

આશ્ચર્યની વાત તો એ હતી કે તેમને એ બધી જ બાબતની ખબર હતી કે ભારતમાં કેટલી ફિલ્મો બને છે, કેટલો વકરો કરે છે, કેટલા કલાકારો છે વગેરે વગેરે. જ્યારે આ વાત મેં મારા કાનૂની મિત્રને કરી ત્યારે તેણે મને કહ્યું હતું કે પાછા જાવ અને ભારત જઈને તમારો ધંધો બચાવો, કેમ કે અમેરિકનો આવી રહ્યા છે. હોલિવૂડ જ્યાં ગયું છે ત્યાંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બરબાદ કરી નાખી છે. બ્રિટન, ફ્રાંસ, જર્મની સહિતના દેશો પર આજે હોલિવૂડનું પ્રભુત્વ છે. અહીંયાં પણ એવું જ થઈ રહ્યું છે. તેની સામે ટક્કર લેવા માટે ભારતીય સિનેમાનો સ્તર પણ ઊંચો લઈ જવો પડશે.”

ભારતીય સિનેમા પર હોલિવૂડનો પ્રભાવ વધી રહ્યો છે એ સાચું પણ સો ટકાનું સત્ય એ છે કે આપણી ઈન્ડસ્ટ્રી વન મેન શૉ છે. ફ્રાન્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આઈકોન અને ફ્રાન્સ ન્યૂ વેવ સિનેમાના ઘડવૈયા મહાન દિગ્દર્શક ફ્રાન્સ્વા ત્રુફોએ કહ્યું હતું કે ભારતીય સિનેમા એ વનમેન ઈન્ડસ્ટ્રી (અમિતાભ બચ્ચન) છે. અમિતાભ બચ્ચન સરળતાથી નવોદિત સાથે કામ કરે છે અને એટલે જ તેમણે ‘તીન’ ફિલ્મના દિગ્દર્શક રિબ્બુ દાસગુપ્તા પર વિશ્વાસ મૂક્યો છે. અમિતાભ કહે છે કે,”‘યુદ્ધ’ ધારાવાહિકના દિગ્દર્શનનું કામ રિબ્બુએ સંભાળ્યું હતું. આ સમયે રિબ્બુએ મને કહ્યું હતું કે હું ફિલ્મ બનાવું તો તેમાં તમે કામ કરશો. મેં તેને કહ્યું હતું કે ચોક્કસ કરીશ અને રિબ્બુએ મારી સામે ‘તીન’ની વાર્તા મૂકી. મારે ના પાડવાનો કોઈ અવકાશ જ ન હતો.”

અમિતાભ જે ફિલ્મમાં હોય તે ફિલ્મના સંગીતકાર અને દિગ્દર્શક હવે એવો આગ્રહ રાખે છે કે એક ગીત તો અમીત સર પાસે ગવડાવવું જ. જોકે તેમણે ગાયેલાં ગીતોને પ્રતિસાદ પણ ભવ્ય મળે છે. ‘તીન’ ફિલ્મમાં એક કરુણ ગીત ‘ક્યોં રે…વો’માં અમિતાભે કંઠ આપ્યો છે. અમીતજી કહે છે કે, “ફિલ્મમાં મારું પાત્ર જ્હોન બિશ્વાસનું છે. જે એંગ્લો ઈન્ડિન છે. મધ્યમવર્ગનો થાકેલો નિવૃત્ત ઓફિસર છે. દીકરો વિદેશમાં રહે છે. કમજોર છે અને એકલો રહે છે. સામાન્ય રીતે લોકો જે દિનચર્યામાં કામ કરતાં હોય છે તેવું તેને કામ રહે છે અને જિંદગી આગળ વધતી જાય છે. ફિલ્મમાં ગીત રાખવાનો વિચાર ન હતો, કારણ કે જે રીતે પાત્રનું આલેખન છે એ ગીત ગાય તો અજીબ લાગે પણ પૌત્રી પ્રત્યેની અંદરની ભાવના ગીતમાં વ્યક્ત કરવામાં આવી છે. જેવું પાત્ર છે, એવું જ ગીત રજૂ કરવામાં આવ્યું છે.”

આજે તો અમિતાભના નિવાસસ્થાન ‘પ્રતીક્ષા’ અને ‘જલસા’ની બહાર દિગ્ગજ દિગ્દર્શક-નિર્માતાઓની લાઈનો લાગે છે પણ આ મહાનાયકને એક ફિલ્મમાં એક મિનિટના રોલ માટે દિવસોના દિવસો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. અમિતાભ પર રિજેક્શનના એટલા ધબ્બા વાગ્યા કે એક દિવસ નક્કી કરી લીધું કે હવે ફિલ્મોની દુનિયા સમેટીને ઘરે જતું રહેવું છે. તેમણે તેમના પિતા હરિવંશરાય બચ્ચનને કહ્યું કે, “બાબુજી, કદાચ આ દુનિયા માટે હું મિસફિટ છું. કોઈ મને હીરો તરીકે લેવા તૈયાર જ નથી.” ત્યારે હરિવંશરાય બચ્ચન એટલું બોલ્યા કે, “બેટા, તું બલરાજ સહાનીને ઓળખે છે? તે કેવા લાગે છે? બલરાજ સહાનીને જોઈને તેમાંથી પ્રેરણા લે.” અને અમિતાભે ફરી ઑડિશન આપવાનું શરૂ કર્યું.

અમિતાભની ફિલ્મી કરિયરને ઝગમગતી બનાવવામાં ઘણાં ફિલ્મકસબીનો સહયોગ છે પણ તેના માટે તેના માર્ગદર્શક, પથદર્શક કે જીવનસારથી જે ગણો તે હરિવંશરાય બચ્ચન જ હતા. અમિતાભ તેમના પિતાએ લખેલી કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “આજકાલની પેઢીને કવિતામાં બહુ રસ રહ્યો નથી એવું લાગે છે. માતૃભાષા બોલવાનું ઘટતું જાય છે અને અંગ્રેજીનું ચલણ વધ્યું છે. બાબુજીએ લખેલી કવિતાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાથી વધુ લોકો વાંચશે. ‘મધુશાલા’નો તો ૧૯૪૦માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક શિક્ષિકાએ ‘હાઉસ ઓફ વાઈન’ કરીને અંગ્રેજીમાં અનુવાદ તૈયાર કરાવ્યો હતો અને બહુ લોકપ્રિય બની.

મારા ઘણાં મિત્રો અલગઅલગ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને તેઓ અનેક વાર કવિતાના અનુવાદ બાબતે કહી ચૂક્યા છે અને તેઓ અલગઅલગ ભાષામાં અનુવાદ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. આ કામ પૂરું નથી થયું પણ જલદીથી થઈ જશે.” તેમના જીવન પર હરિવંશરાય બચ્ચનનો એટલો પ્રભાવ છે કે તેમના દરેક ઘર અને ઓફિસનાં નામ પણ તેમના જણાવ્યા પ્રમાણે જ રાખ્યાં છે. ‘પ્રતિક્ષા’ બાબુજીની એક પંક્તિ ‘સ્વાગત સબકે લિયે યહાં પર નહીં કિસી કે લિયે પ્રતિક્ષા’ પરથી રાખ્યું છે. ‘જલસા’ જોકે પહેલાં આનું નામ ‘મનસા’ હતું.

બાબુજીની આત્મકથામાં મનસોનો ઉલ્લેખ છે. જે અમારી પેઢીને પ્રથમ મહિલા હતી. પાછળથી ઘણાંએ કહ્યું કે નામ બદલી નાખો તો જ્યારે દીકરીનાં લગ્ન (એ ઘરમાં પ્રથમ વખત લગ્નપ્રસંગ) થયાં ત્યારે તેનું નામ ‘જલસા’ કરી નાખ્યું. હાલમાં જલસાની પાછળ એક જગ્યા લીધી છે અને તેનું નામ મનસા આપ્યું છે. જોકે બાબુજી કહેતાં કે ‘જનક’ નામ તો હોવું જ જોઈએ એટલે ઓફિસનું નામ ‘જનક’ રાખી દીધું.”

હવે બસ, તેમના ઊભા થવાનો સમય થયો હતો અને પ્રણામ કરીને મુલાકાત પર પૂર્ણવિરામ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે છેલ્લું વાક્ય પૂછ્યું કે, “કઈ એવી વસ્તુ છે જે તમને સતત પ્રેરણા આપે છે?” હળવા સ્મિત સાથે તેમણે કહ્યું, “…મન કા હો તો અચ્છા, ન હો તો બહુત અચ્છા.”

હિના કુમાવત

You might also like