ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીના પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: પંજાબના ચંડીગઢ ખાતે ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ફરજ બજાવતા એક અધિકારીના પુત્રએ શાહીબાગ ખાતે આઇબીના ગેસ્ટ હાઉસના રૂમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. અધિકારીનો પુત્ર છેલ્લા કેટલાક સમયથી બેકાર હતો. જેથી તેને લાગી આવતાં તેણે જીવન ટૂંકાવી દીધું હતું. શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ પંજાબના ચંડીગઢ ખાતે રહેતા સતપાલસિંહ પંજાબમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ સતપાલસિંહની પુત્રીને અમદાવાદમાં બેન્ક મેનેજર તરીકેની નોકરી મળતાં તેઓ પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા.

સતપાલસિંહ પરિવાર સાથે શાહીબાગ ખાતે આઇબીની ઓફિસના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. મંગળવારે સતપાલસિંહ પોતાની પુત્રી સાથે બહાર ગયા હતા અને પુત્ર પવન (ઉં.વ.રપ) ગેસ્ટ હાઉસમાં એકલો હતો. દરમિયાનમાં તેણે રૂમમાં ચાદર વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.

સતપાલસિંહ રૂમ પર પરત ફર્યા ત્યારે દરવાજો ન ખૂલતાં તેઓએ તપાસ કરતાં રૂમમાંથી પવનની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ પવન છેલ્લા કેટલાક સમયથી બેકાર હતો. નોકરી ન મળવાને કારણે તેણે આ પગલંુ ભર્યું છે. માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.પી.ઘરસંડિયાએ જણાવ્યું હતું કે પંજાબના આઇબીના અધિકારી તેમના પરિવાર સાથે અહીં આવ્યા હતા અને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. દરમિયાનમાં તેમના પુત્રએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
http://sambhaavnews.com/

You might also like