વીમાનું પ્રીમિયમ હવે રદ થયેલી ચલણી નોટોમાં નહીં સ્વીકારાય

નવી દિલ્હીઃ નોટબંધી બાદ હવે જે તે વીમાદારો ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટોથી પ્રી‌િમયમની રકમ જમા કરાવી નહિ શકે. વીમા નિયામક ઈરડાએ ગઈ કાલે આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમાં જણાવાયું છે કે તેણે માત્ર પ્રી‌િમયમની ચુકવણી કરવાની મુદતમાં ૩૦ દિવસનો વધારો કરવા આદેશ આપ્યો છે.

આ અંગે ૨૫ નવેમ્બરના પરિપત્રમાં ઈરડાએ જણાવ્યું હતું કે જે લોકોને તેમના પ્રી‌િમયમની ચુકવણીની તારીખ ૮ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન આવે છે તેમને વધુ ૩૦ દિવસ મળશે. કેટલાંક અખબારોમાં અેવા અહેવાલ છપાયા હતા કે ઈરડાએ પ્રી‌િમયમની રકમમાં જૂની નોટો લેવાની છૂટ આપી છે, પરંતુ આવી કોઈ જાહેરાત થઈ નહિ હોવાથી આવી સ્પષ્ટતા કરવી પડી છે. રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ નોટબંધી બાદ ૨૭ નવેમ્બર સુધીમાં લોકોએ ૮.૪૫ કરોડ રૂપિયાની જૂની નોટો જમા કરાવી છે તેમજ લોકોએ બેન્ક અને એટીએમમાંથી ૨.૧૬ લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા છે, તેમાં ૩૩,૯૪૮ કરોડની બદલાવેલી નોટો સામેલ છે. આ પ્રકારે ત્રણ સપ્તાહમાં બેન્કો પાસે ૮,૧૧,૦૩૩ કરોડ રૂપિયા શુદ્ધ રીતે જમા થયા છે. આમ, ઈરડાએ પ્રીમિયમની રકમ જમા કરાવવા અંગે લોકોમાં જે ગેરસમજ ફેલાઈ છે તે અંગે સ્પષ્ટતા કરી છે.
http://sambhaavnews.com/

You might also like