વૃત્તિ પરીક્ષણ

પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં નાના બાળકનાં મનોવલણની એક સુંદર અને સરળ પરીક્ષા લેવાતી. આ પરીક્ષા ઉપરથી બાળકનું મનોવલણ કેવું છે? બાળકની સાહજિક રુચિ શી છે? અને બાળક ભવિષ્યમાં કેવું બનશે એનું અનુમાન થતું. આજે એકવીસમી સદીમાં આ મનોવિજ્ઞાન પદ્ધતિસર વિકસેલું છે. આ મનોવૈજ્ઞાનિક પરીક્ષણને આધારે બાળકની શિક્ષા-દીક્ષા કેવાં હોવાં જોઇએ તે નક્કી કરવામાં આવે છે. ભારતવર્ષમાં આવું પરીક્ષણ સહજ હતું. દુર્ભાગ્યે ભારત પોતાના જ વારસાને ભૂલી ગયું છે અને પશ્ચિમના જગતે આ જ વારસાને વ્યવસ્થિત અભ્યાસનું રૂપ આપ્યું છે!

ભારતીય સંસ્કૃતિમાં પ્રબોધેલ વિધિ અનુસાર ધર્મદેવે બાલઘનશ્યામની મનોવૈજ્ઞાનિક પરીક્ષા કરી. એમણે કુળદેવતાનું પૂજન કર્યું. રંગોળી પૂરેલી પવિત્ર ધરતી ઉપર ફૂલોથી શણગારેલા ત્રણ બાજોઠ રાખ્યા. એક બાજોઠ ઉપર સુવર્ણમહોર મૂકી, બીજા બાજોઠ ઉપર તલવાર મૂકી, ત્રીજા બાજોઠ ઉપર હસ્તલિત ગ્રંથ પધરાવ્યો. ગ્રંથ જ્ઞાન વિજ્ઞાનનું પ્રતીક છે, તલવાર સુરક્ષા ધર્મ સૂચવે છે અને સોનામહોર વ્યાપાર ધર્મ સૂચવે છે. જ્ઞાન વિજ્ઞાન, સુરક્ષા અને સંપત્તિ જીવન અને સમાજના મહત્ત્વનાં અંગો છે.

ધર્મદેવે આનંદ કિલ્લોલ કરતા ઘનશ્યામને બાજોઠ તરફ જવા ઇશારો કર્યો. ઘુંટણિયાભેર ચાલતા ઘનશ્યામ હાસ્યવિનોદ કરતા કરતા બાજોઠ સુધી પહોંચ્યા. ત્રણેય બાજોઠ ઉપર કુતૂહલભરી નજર ઠેરવી. પછી ખિલખિલાટ હસતા હસતા પુસ્તક ઉપર હાથ ધર્યો.ઘનશ્યામે સત્તા અને સંપત્તિ કરતાં જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું. જગતમાં કોઇ ગમે એટલો સંપત્તિવાન હોય કે સમ્રાટ હોય, પણ આખરે શાસન તો જ્ઞાનીઓ જ કરતા હોય છે. પછી ભલે એ શાસન રાજ્યશાસન હોય કે ધર્મશાસન. સત્તા, સંપત્તિ, યશ, કીર્તિ અને મુક્તિ આ સર્વનું કારણ જ્ઞાન છે.

ઘનશ્યામે પુસ્તક ઉપર હાથ મૂકીને પોતાના અંતરમાં રહેલી સુષુપ્ત જ્ઞાનશક્તિને પ્રગટ કરી દીધી હતી. દરેક માતા પિતાના મનમાં સહજ ભાવ હોય કે બાળક અમારા જેવું થાય. અમારા વારસાને જાળવે. ધર્મદેવ સહજ સ્વભાવે બ્રાહ્મણધર્મને વરેલા હતા. જ્ઞાનોપાસના એમનાં જીવનનું મહત્ત્વનું અંગ હતું અને એટલે જ પોતાના પુત્રે જ્યારે પુસ્તક ઉપર હાથ મૂક્યો ત્યારે એમના અંતરમાં મહર્ષિ માર્કંડેયના શબ્દો પડઘાવા લાગ્યા, ‘આ બાળક મહાજ્ઞાની થશે.’ ધર્મદેવના અંતરમાં આનંદ થઇ રહ્યો હતો કે, ‘મારો ઘનશ્યામ મારા જ્ઞાનવારસાનું જતન કરશે.
સ્વામી માધવપ્રિયદાસ સ્વામી, એસવીજીપી,ગુરુકુળ,છારોડી

You might also like