સયાજી હોસ્પિટલમાંથી કેદી ફરાર મામલે કેદી સહિત બે પોલીસકર્મી સામે ગુનો દાખલ

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કાચાકામના કેદી ફરાર થવા મામલે ફરાર કેદી સહીત બે પોલીસકર્મી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સારવાર માટે લવાયેલો કાચા કામનો કેદી જાપ્તાના પોલીસ જવાનને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા પોલીસ મુખ્ય મથકમાં આર્મ એએસઆઈ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ રાઠવા ગુરુવારે સવારે નવ વાગે તે અલગ અલગ પોલીસ મથકના અન્ય છ પોલીસ જવાનો સાથે સેન્ટ્રલ જેલમાંથી કુલ છ કેદીઓને લઈને તેઓને સારવાર કરાવવા માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ છ કેદીઓ પૈકી મનોજ પરમાર અને પ્રિયકાન્ત ઉર્ફ ભયલુ કિશોર સોલંકીને જવાહરનગર પોલીસ મથકમાંથી આવેલા જાપ્તાના એલઆરડી અનિરુધ્ધસિંહ ગોહીલ તેમજ સમા પોલીસ મથકના બંસરીબેન મહેશભાઈ અને કારેલીબાગ પોલીસ મથકના મેનાબેન જોધાભાઈને સોંપાયા હતા.

આ પૈકી મનોજ પરમારની દાંતની સારવાર કરાવીને બંને મહિલા પોલીસે તેને લઈને પરત ફરી હતી જયારે અનિરુધ્ધસિંહ કાચા કામના કેદી પ્રિયકાન્તને આરએમઓ પાસે લઈ ગયો હોઈ અન્ય જવાનો આ બંનેની રાહ જોતા હતા. દરમ્યાનમાં દવા પરત લઈને આવતી વખતે પ્રિયકાન્ત અનિરૃધ્ધસિંહને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો.

You might also like