બહારનો મેલ સાબુથી પણ અંદરનો મેલ તો સાધુથી ધોવાશેઃ મોરારિબાપુ

અમદાવાદ: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માનસ સ્વચ્છતા રામકથાના બીજા દિવસે સંત મોરારિબાપુએ રાવણ અને સુપર્ણખાનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે બહારનો મેલ સાબુથી ધોવાય છે પણ અંદરનો મેલ સાધુથી ધોવાશે. બાપુએ યુવાનોને ઉદ્દેશીને શીખ આપતાં કહ્યું કે વિવેક સાથે ધર્મ પાળો, ધર્મમાં વિવેક, કર્મમાં કરૂણા અને રમણ- ભ્રમણમાં રાખ રાખો.

મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સુપર્ણખા બહારથી સુંદર હતી પણ અંદરથી મેલી હતી. રાવણ બહારથી સાધુ થઇને આવ્યો હતો, પરંતુ તેની અંદર તો મલિન ભાવ હતો. આ બંને ભાઇ-બહેન એવા હતા કે સુપર્ણાખાને રામ જોઇએ છે અને રાવણને સીતા જોઇએ છે, પણ ભાઇ સીતાને મેળવવા અને બહેન રામને મેળવવામાં અસફળ રહ્યાં કેમ કે બહારથી તેઓ સ્વચ્છ હતાં પણ તેમની ભીતરમાં મેલ હતો.

આપણી બહારનો મેલ સાબુથી ધોવાય છે પણ અંદરનો મેલ તો સાધુથી ધોવાશે. સાધુ પુરુષો મારા-તમારા મેલને સાફ કરશે. જો કે બાપુએ એમ પણ જણાવ્યું કે સાધુ કેમિકલ મુક્ત હોવો જોઇએ. સાધુ કેમિકલ મુક્ત છે એટલે શરીર ઉપર રિએકશન નથી આવતું કે માણસમાં વિકૃતી પણ આવતી નથી. બાપુએ આ તબક્કે એવી પણ ટકોર કરી હતી કે સાધુને સાધન ના બનાવો એ તો સમાજનું સાધ્ય છે.

બાપુએ ગઇકાલે યુવાનોને ઉદ્દેશીને સંદેશો આપવા સાથે શીખ આપતાં જણાવ્યું હતું કે તમે ભણો, આગળ વધો, વિવેક સચવાય તેવું પહેરો, ખાઓ પણ એટલું ધ્યાન રાખજો કે ધર્મમાં વિવેક રાખજો, ધર્મમાં વિવેક, કર્મમાં કરૂણા અને રમણ-ભ્રમણમાં રામ રાખજો. ધર્મને વિવેકપૂર્વક અને કર્મને કરૂણાપૂર્વક કરો.

ટ્રસ્ટી ગિરીશભાઇ દાણીએ જણાવ્યું હતું કે, શૌચાલય બનાવવા માટે ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને તેના માટે સરકાર ૧૨ હજાર રૂપિયાની સહાય આપે છે અને અમારા ટ્રસ્ટ દ્વારા ૮ હજાર રૂપિયા આપવામાં આવશે. રામકથામાં આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પધાર્યા હતા.

You might also like