સેટેલાઈટમાં ‘ક્લાઉડ-૯’ નામની સાઈટના સાઈટ સુપરવાઈઝર, એન્જિનિયર અને લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં આનંદનગર પોલીસ સ્ટેશનની પાછળ ‘વીનસ ક્લાઉડ-૯’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરનાં મોતના મામલે સેટેલાઈટ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાઈટ ઉપર કોઈ પણ પ્રકારની સેફ્ટી ન રાખી બેદરકારી દાખવવા બદલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સેટેલાઈટ વિસ્તારમાં ગુરુવારે બપોરે ૩ વાગ્યે મજૂરો સેન્ટિંગનું કામ કરતા હતા. દરમિયાનમાં ભેખડ ધસી પડી હતી, જે દુર્ઘટનામાં નીચે કામ કરી રહેલા ર મજૂર દટાયા હતા. મજૂરોને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બીજી વાર ભેખડ ધસી પડી અને તેમાં અન્ય મજૂર દટાયા હતા ત્યાર પછી તરત જ ત્રીજી વાર ભેખડ ધસી પડી હતી.

આ દુર્ઘટનામાં 3 મજૂરનાં મૃત્યુ થયાં હતાં જ્યારે પ મજૂર ઘાયલ થયા હતા. એક મજૂરને માથામાં ઈજા થતાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ગુડ્ડુ ભાઈ, વિજયકુમાર શાની અને પ્રમોદરાય જાદવનાં મોત નીપજ્યાં છે.

આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ. એસ. ચૌધરીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ‘વીનસ કલાઉડ-૯’ સાઈટ પર ફરજ બજાવતા સાઈટ સુપરવાઈઝર, લેબર કોન્ટ્રાક્ટર અને સાઈટ એ‌િન્જ‌િનયરે બેદરકારી દાખવી છે. સાઈટ ઉપર બાંધકામ દરમ્યાન નિયમ મુજબ સેફટી ન રાખીને બેદરકારી દાખવતાં મજૂરો દટાઈ જતાં ગંભીર ઈજાઓ થવાથી તેમનાં મોત નીપજ્યાં હોઈ સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી આ અંગે તપાસ શરૂ કરી છે.

You might also like