બાપુનગરમાં ઈનોવામાંથી ઈંગ્લિશ દારૂ-બિયરની ૬૯૧ બોટલ મળી

અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી ગઇકાલે મોડી રાત્રે પોલીસ ચેકિંગ દરમ્યાન દારૂની બોટલો ભરેલી ઇનોવા કાર મળી આવી છે. બાપુનગર પોલીસે ઇનોવા ચાલકની ધરપકડ કરીને ૪૯૯ નંગ ઇગ્લિશ દારૂની બોટલો તથા ૧૯ર નંગ બિયરની મળીને ૬૯૧ બોટલો કબજે કરીને તપાસ શરૂ કરી છે.

તાજેતરમાં દારૂબંધી કડક કાયદા અમલીકરણ બાદ પણ બુટલેગરો બિન્ધાસ્ત પોલીસના ડર વગર દારૂ લાવીને વેચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બાપુનગર પોલીસે ગઇ કાલે મોડી રાત્રે ઇનોવા કારમાં દારૂ લઇને આવી રહેલા એક યુવકની પોલીસ ચેકિંગ દરમ્યાન ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છેકે બાપુનગર અજિત મિલ સર્કલ પાસે મોડી રાત્રે પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો તે સમયે ધોડાસર ટાગોર એપાર્ટમેન્ટમાં રહેતો નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ લોઢા ઇનોવા કાર લઇને આવતો હતો.

પોલીસે નરેન્દ્રસિંહને રોકીને અને ઇનોવા કારની તપાસ કરતાં બોટલો મળી આવી  હતી. પોલીસે તેની પૂૂછપરછ કરતાંં તેણે ભાઇપુરાના રવિ મરાઠી માટે આ દારૂ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. દારૂબંધીના કાયદા હેઠળ નરેન્દ્ર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે અને રવિ મરાઠીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે. નરેન્દ્ર કયાંથી અને કોની પાસેથી દારૂ લાવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like