ચૂંટણીના માહોલ વચ્ચે સાબરમતી જેલમાંથી કેદીઓ પેરોલ જમ્પ પર ફરાર, ચૂંટણી પંચે મગાવી માહિતી

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્રને આદેશ પણ આપવામાં આવ્યા છે. સાબરમતી જેલમાંથી કાચા અને પાકા કામના મળી કુલ ૪૧૮ જેટલા કેદી પેરોલ-ફર્લો પર અથવા વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયા છે. પેરોલ પર ફરાર થઈ જતા કેદીઓને ઝડપવામાં પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ફરાર કેદીઓની માહિતી પણ મગાવાઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.
પેરોલ કે વચગાળાના જામીન લઈ કેદીઓ પેરોલ જમ્પ કરે છે. આવા કેદીઓને ઝડપવા માટે અલગથી પેરોલ ફર્લો સ્કવોડની પણ દરેક શહેરમાં રચના કરવામાં આવી છે, પરંતુ પોલીસ આવા કેદીઓને ઝડપવા બહુ સફળ સાબિત થઈ નથી. ચૂંટણી દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માથાભારે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી અને પેરોલ જમ્પ કરેલા કેદીઓને ઝડપવા આદેશ અપાયા છે.

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાંથી જાન્યુઆરી-૨૦૧૭થી ઓક્ટોબર-૨૦૧૭ સુધીમાં પાકા કામના ૩૩૧ અને કાચા કામના ૮૭ મળી કુલ ૪૧૮ જેટલા કેદીઓ ફરાર છે.જેમાં કેટલાક પેરોલ કે ફર્લો પર રજા લઈ તેમજ વચગાળાના જામીન રજા મેળવીને બહાર નીકળ્યા બાદ ક્યારેય જેલમાં પરત ફર્યા નથી. આખી ગુજરાતની તમામ સેન્ટ્રલ જેલનો આંકડાની વાત કરીએ તો અંદાજિત ૮૦૦ જેટલા કેદીઓ પેરોલ-ફર્લો જમ્પ કરી ફરાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ફરાર કેદીઓની વાત કરીએ તો સંખ્યા ખૂબ જ મોટી છે જ્યારે પોલીસ આવા કેદીઓને પકડવામાં નિષ્ફળ નીવડી છે. ગત મહિને સાબરમતી જેલમાંથી ફરાર માત્ર સાત કેદીને પકડવામાં આવ્યા છે. આ મહિનામાં અત્યાર સુધી માત્ર એક કે બે કેદી પકડાયા કે હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે. પેરોલ-ફર્લો કે વચગાળાના જામીન પર ફરાર થયેલા કેદીઓની સંખ્યા ખૂબ જ મોટી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસે આ ફરાર કેદીઓને ઝડપવા ખૂબ મહેનત કરવી પડશે.

You might also like