શ્રીલંકન બોર્ડની મનાઈ છતાં ભારત આવેલો ઈજાગ્રસ્ત મલિંગા IPLમાંથી આઉટ

કોલંબો: આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ૨૯૮ વિકેટ લેનાર મુંબઈ ઇન્ડિયન્સનો મૅચ-વિનિંગ ફાસ્ટ બોલર લસિથ મલિંગા ડાબા ઘૂંટણની ઈજાને કારણે આ વખતની આઇપીએલની બહાર થઈ ગયો છે. તેને શ્રીલંકન ક્રિકેટ બોર્ડે મનાઈ કરી હોવા છતાં અને બોર્ડનું એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવ્યા વગર શુક્રવારે ભારત આવ્યો હતો અને મુંબઈ ઇન્ડિયન્સના પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ પણ લીધો હતો. શ્રીલંકન બોર્ડે મલિંગાને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.

જોકે મુંબઈ આવી પહોંચેલા મલિંગાને મુંબઈ ઇન્ડિયન્સના ડૉક્ટરોની ટીમે તપાસીને તે આગામી ઓછામાં ઓછા ચાર મહિના રમી શકે એવી હાલતમાં નથી એવું કહી દેતાં તેને આઇપીએલ માટે અનફિટ જાહેર કરાયો હતો.

હવે મલિંગા કોલંબો પાછો જઈ રહ્યો છે, જ્યાં તે બુધવારે બોર્ડના ડૉક્ટરોને મળશે અને પોતે સર્જરી કરાવવાની જરૂર છે કે નહીં એ જાણશે. એ પહેલાં, મલિંગા શ્રીલંકાના આગામી ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તેમ જ કૅરેબિયન પ્રીમિયર લીગમાં તો નહીં જ રમી શકે. ઑપરેશન કરાવશે તો પછીથી ઑસ્ટ્રેલિયા પણ નહીં જઈ શકે.

મલિંગાને નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં ઘૂંટણમાં દુખાવો શરૂ થયો હતો. તાજેતરના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ તે નહોતો રમ્યો ત્યારે મલિંગાની ફિટનેસ વિશે શંકા કરનાર ચીફ સિલેક્ટર અરવિંદ ડી’સિલ્વાએ બોર્ડને કહ્યું હતું કે ‘મલિંગા આઇપીએલમાં ભાગ લેવા જશે ત્યારે તેની ફિટનેસ પુરવાર થઈ જશે.’

You might also like