ટ્રકે બાઇકને અડફેટે લેતાં સસરા, પુત્રવધૂ અને પૌત્રનાં માર્ગ અકસ્માતમાં મોત

અમદાવાદ: સુરતના સરથાણા વિસ્તારમાં બાપાસિતારામ ચોક નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા સર્જાયેેલા અકસ્માતમાં સસરા, પુત્રવધૂ અને પૌત્રનું મોત થયું હતું. ઘટનાના પગલે એકત્ર થયેલા ટોળાંએ ઉશ્કેરાઇ જઇ ટ્રક પર પથ્થરમારો કરતા ભારે નાસભાગ મચી ગઇ હતી અને તંગદિલી છવાઇ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અકસ્માતની વિગત એવી છે કે, સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી યોગીદર્શન સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના રહેવાસી લાલજીભાઇ ભગવાનભાઇ રાદડિયા (ઉ.વ.પર) તેમના ભાઇના દીકરાની વહુ હેતલબહેન અને પૌત્ર મંત્રને બાઇક પર બેસાડી ત્રીપલ સવારી જઇ રહ્યા હતા.

ત્યારે સરથાણા વિસ્તારમાં બાપા સિતારામ ચોક પાસેથી ટ્રકે બાઇકને અડફેટે લઇ જોરદર ટક્કર મારતા બાઇકસવાર ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં લાલજીભાઇનું માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઇજા થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના સારવાર દરમ્યાન મોત થયા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે ભેગા થયેલા ટોળાંએ ઉશ્કેરાઇ જઇ ટ્રક પર જોરદાર પથ્થરમારો કરતા રોડ પરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી અને લોકોએ ભયના કારણે નાસભાગ કરી મૂકતાં તંગદિલીનું વાતાવરણ ઊભું થયું હતું. પોલીસે આ અંગે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like