ફાયરિંગમાં ઘાયલ થયેલા બિલ્ડર હનીફ દાઢીનું મોત

અમદાવાદ: જમાલપુર મ્યુનિ. ક્વાર્ટર્સ સામે શનિવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પોઇન્ટ રેન્જ બ્લેન્કથી કરેલા ફાયરિંગ ઘવાયેલા બિલ્ડર મહંમદ હનીફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનીફ દાઢીનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન મોત થયું છે. હનીફ દાઢીનાં મોતના સમાચારથી ચકચાર મચી ગઇ છે. ફાયરિંગમાં હનીફ દાઢીને પેટના ભાગે ગોળી વાગતાં તેમને વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હનીફ દાઢી પર અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.

શનિવારની રાત્રે બિલ્ડર હનીફ દાઢી તેમના મિત્રો સાથે મ્યુનિસિપલ કવાર્ટર સામે બેઠા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવ્યા હતા. એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વ્યકિતએ મોઢે રૂમાલ બાંધ્યો હતો એક્ટિવાની પાછળ બેઠેલા વ્યકિતએ હનીફ દાઢી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પહેલી ગોળી હનીફ દાઢીની સાઇડમાંથી નીકળી ગઇ હતી ત્યારે બીજી ગોળી પેટના સાઇડના પડખામાં વાગી હતી. ગોળી વાગતાં હનીફ શેખ રસ્તા પર ઢળી પડ્યા હતા. આ જોતાં આસપાસના લોકો ભેગા થઇ ગયાં હતાં અને તેમને તાત્કાલિક સારવાર માટે વીએસ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
આ ઘટનાની જાણ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને થતા ક્રાઇમ બ્રાંચની ટીમ ફાયરિંગ કરનાર આરોપીઓને શોંધવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે હનીફ દાઢી પર થયેલા ફાયરિંગ કેસમાં જૂની અદાવત હોવાનું પોલીસ માની રહી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર બિલ્ડર હનીફ દાઢી પર હત્યાનો આરોપ હતો. ર૦૧૦માં જમાલપુર કાચની મસ્જિદ પાસે મુમતાજબાનું નામની મહિલાની કરપીણ હત્યા થઇ હતી. આ કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે હનીફ દાઢીના બે પુત્ર શોએબ તથા બિલાલ શેખની ધરપકડ કરી હતી. જોકે પુરાવાના અભાવના કારણે સેશન્સ કોર્ટે તમામને નિર્દોષ છોડી મૂક્યા હતા.

આ સિવાય ર૦૧૩માં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હનીફ દાઢીએ કેટલાક બિલ્ડર વિરુદ્ધમાં કરોડો રૂપિયાની ખંડણી માગવાની ફરિયાદ પણ કરી હતી ત્યારે દોઢેક વર્ષ પહેલાં જમાલપુરમાં હનીફ દાઢીના ગેરકાયદે સીમરન કોમ્પ્લેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી નાખ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે જૂના તમામ કેસોમાં સંડોવાયેલા લોકો પર તપાસ શરૂ કરી છે ત્યારે તાજેતરમાં હનીફ દાઢીને કોની સાથે દુશ્મનાવટ હતી તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like