ઈન્ફોસિસના શેરમાં શરૂઆતે જ ચાર ટકાનું ગાબડું પડ્યું

અમદાવાદ: આજે શરૂઆતે ઇન્ફોસિસ કંપનીના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. શરૂઆતે જ કંપનીના શેરમાં ૪.૪૫ ટકાનો ઘટાડો નોંધાઇ શેર રૂ. ૧૧૧૮ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ માટે કંપનીના EBIT માર્જિનના ગાઇડન્સથી રોકાણકારમાં નિરાશા જોવા મળી હતી અને તેના કારણે વેચવાલી વધી હતી.

નોંધનીય છે કે કંપનીએ શુક્રવારે પરિણામ જાહેર કર્યાં હતાં. કંપનીના નબળા ગાઇડન્સથી શેરમાં વેચવાલી નોંધાઇ હતી. કંપનીના શેરમાં વેચવાલીથી શરૂઆતે જ રોકાણકારની રૂ. ૧૦,૨૦૦ કરોડથી વધુની મૂડીનું ધોવાણ થઇ ગયું હતું. કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. ૨,૪૫,૫૯૨ કરોડની સપાટીએ પહોંચી ગઇ હતી.

દેશની બીજા નંબરની સૌથી મોટી સોફટવેર કંપની ઇન્ફોસિસ કંપનીમાં એનાલિસ્ટની એક બેઠક આગામી ર૩મી એપ્રિલે મુંબઇમાં થશે. બેઠકમાં કંપની દ્વારા નવી રણનીતિ રજૂ થાય તેવી આશા સેવાઇ રહી છે.

ઇન્ફોસિસ કંપનીના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે બેઠકની તમામ પ્રક્રિયા કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપર લાઇવ જોઇ શકાશે. એટલું જ નહીં વેબસાઇટ પર બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને ચર્ચાના વિષય વસ્તુ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

દરમિયાન પાછલા સપ્તાહે શુક્રવારે જાહેર કરતાં પરિણામમાં કંપનીના સીઇઓ સલિલ પારેખે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધુ સારી રહેવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને યુરોપ જેવાં બજારમાં કંપની ફોક્સ વધારશે.

You might also like