ઈન્ફોસિસ પરિણામ ઈફેક્ટઃ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું

અમદાવાદ: આઇટી સેક્ટરની અગ્રણી ઇન્ફોસિસનાં અપેક્ષા કરતાં નબળાં પરિણામને પગલે તથા વિદેશી શેરબજારનાં પ્રેશરની અસરથી આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૭૪ પોઇન્ટના ઘટાડે ૨૯,૫૬૮, જ્યારે એનઅેસઇ નિફ્ટી ૨૫ પોઇન્ટના ઘટાડે ૯,૧૭૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આઇટી, ટેક્નોલોજી, મેટલ, કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં ગાબડાં પડ્યાં હતાં. નબળાં પરિણામને પગલે ઇન્ફોસિસમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં ૧.૬૮ ટકાનો, જ્યારે ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૦.૯૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ સિપ્લા, રિલાયન્સ અને સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૫૭ ટકાથી ૦.૭૪ ટકા સુધીનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

વૈશ્વિક ક્રૂડના ભાવ તૂટ્યા
અમેરિકા, ઉત્તર કોરિયા સહિત વિશ્વના અગ્રણી દેશોમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. અમેરિકાના સિરિયા ઉપરના હુમલાના કારણે વૈશ્વિક કોમોડિટી બજાર ઉપર પણ તેની અસર જોવા મળી છે. એક બાજુ ડોલર એક મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયેલો જોવા મળ્યો છે તો બીજી બાજુ વૈશ્વિક ક્રૂડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૫૬ ડોલર પ્રતિબેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે.

રૂપિયો ૨૪ પૈસા મજબૂત ખૂલ્યો
પાછલા કેટલાક સમયથી રૂપિયામાં ખૂબ જ ઝડપથી વધ-ઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ડોલર નરમ પડતાં આજે શરૂઆતે રૂપિયો ૨૪ પૈસા મજબૂત ૬૪.૪૪ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૪.૬૮ની સપાટીએ બંધ જોવાયો હતો.

આઈટી શેરમાં ગાબડાં
ઈન્ફોસિસ – ૨.૦૬ ટકા
વિપ્રો – ૦.૭૫ ટકા
ટીસીએસ – ૦.૭૬ ટકા
એચસીએલ ટેક્નો. – ૦.૪૧ ટકા
માઈન્ડ ટ્રી – ૦.૭૨ ટકા
http://sambhaavnews.com/

You might also like