ઈન્ફોસિસના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામ મોડાં જાહેર થશે

મુંબઇ: ઇન્ફોસિસ કંપનીમાં પાછલા કેટલાક સમયમાં મેનેજમેન્ટ લેવલે કરવામાં આવેલા ધરખમ ફેરફારના કારણે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના બીજા ત્રિમાસિક સમયગાળાનું પરિણામ બે સપ્તાહ મોડું જાહેર થશે. આગામી ઓક્ટોબર મહિનાથી બીજા ત્રિમાસિક સમયગાળાની રિઝલ્ટ સિઝન શરૂ થઇ જશે. સામાન્ય રીતે કંપની ત્રિમાસિક સમયગાળો પૂરો થયા બાદ બે સપ્તાહમાં પરિણામ જાહેર કરતી હોય છે, પરંતુ કંપનીમાં મેનેજમેન્ટ લેવલે ઊભા થયેલા ઇશ્યૂના કારણે પરિણામ વિલંબથી આવી શકે છે. આ વખતે કંપની ૨૪ ઓક્ટોબરે પરિણામ જાહેર કરે તેવી સંભાવના જાણકારો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

જોકે કંપનીના પ્રવક્તાએ મોડા પરિણામ અંગે કેટલીક માલ પરિવહન સંબંધી સમસ્યાને કારણભૂત ગણાવી હતી. પ્રવક્તાએ કહ્યું કે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહની શરૂઆતમાં માલ પરિવહનની સમસ્યા છે. ત્યારબાદ તહેવારો આવી રહ્યા છે, જેના કારણે કંપનીએ પરિણામની તારીખ બદલવી પડી છે તો બીજી બાજુ નિષ્ણાતોનું કહેવું છે કે કંપની દ્વારા શેરધારકો પાસેથી રૂ. ૧૩ હજાર કરોડના શેરની બાયબેકની પ્રક્રિયા ચાલી રહી હોવાથી પરિણામમાં વિલંબ થયો છે. દરમિયાન મેનેજમેન્ટ કક્ષાએ થયેલા મોટા ફેરફાર બાદ ૧૧૭ અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી ઇન્ફોસિસ કંપનીના પરિણામ ઉપર રોકાણકારોની નજર છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં બાયબેકની પ્રક્રિયા પૂરી થઇ જશે.

You might also like