ઈન્ફોસિસના પ્રોફિટમાં ૬.૧૨ ટકાનો વધારો

બેંગલુરુ: ઇન્ફોસિસ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના આજે જાહેર કરેલા બીજા ત્રિમાસિક સમયગાળાના પરિણામોમાં કંપનીએ નેટ પ્રોફિટમાં ૬.૧૨ ટકાનો વધારો થઈ રૂ. ૩,૬૦૬ કરોડનો જોવાયો છે. પાછલા વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ ૩,૩૯૮ કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીએ આવકનું ગાઇડન્સ અગાઉ ૧૦.૫ ટકાથી ૧૨ ટકા અંદાજ્યું હતું તેમાં ઘટાડો કરી ૮થી ૯ ટકા કરતાં તેની અસર જોવા મળી હતી.

દરમિયાન આજે જાહેર કરેલા પરિણામો બાદ કંપનીના શેરમાં ૨.૯૫ ટકાનો ઘટાડો નોંધાઇ શેર ૧,૦૨૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો. એટલું જ નહીં ઇન્ફોસિસ કંપનીએ જાહેર કરેલા રિઝલ્ટ બાદ આઇટી કંપનીના શેરમાં પણ પ્રેશર જોવા મળ્યું હતું. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની અસર આઇટી કંપનીઓના રિઝલ્ટ પર જોવા મળી રહી છે. કંપનીએ શેરદીઠ ૧૧ રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીની કુલ આવક ૩.૧ ટકા વધીને  રૂ. ૧૭,૩૧૦ કરોડની જોવાઇ છે. એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં કંપનીની આવક રૂ. ૧૬,૭૮૨ કરોડની નોંધાઇ હતી.

You might also like