ઈન્ફોસિસના નફામાં ૪.૫ ટકાનો ઘટાડો

બેંગલુરુ: નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના એપ્રિલથી જૂન મહિનાના આજે જાહેર થયેલા પરિણામોમાં નફામાં ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેના પગલે પરિણામની જાહેરાત થતાંની સાથે જ ઇન્ફોસિસ કંપનીનો શેર ૮.૫૮ ટકા તૂટ્યો હતો અને રૂ. ૧૦૦ના ઘટાડે ૧,૦૭૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો.

નોંધનીય છે કે કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફો ૩,૪૩૬ કરોડનો નોંધાવ્યો છે, જે છેલ્લા ક્વાર્ટરની સરખામણીમાં ૪.૫ નીચો છે. છેલ્લા ત્રિમાસિક સમયગાળામાં કંપનીએ ૩,૫૯૭ કરોડનો નફો કર્યો હતો.

દરમિયાન કંપનીએ આવકમાં ૨.૨ ટકાનો વધારો કરી ૨૫૦.૧ કરોડ ડોલરની સપાટીએ પહોંચી છે. આજે ઈન્ફોસિસ કંપનીએ જાહેર કરેલાં પરિણામોની સાથે જ ઈન્ફોસિસ કંપનીના શેરમાં ઘટાડો જોવાયો છે અને તેની અસર શેરબજારમાં પણ જોવા મળી હતી.

પરિણામ જાહેર થયા બાદ બજારનું સેન્ટિમેન્ટ પણ બદલાઇ ગયું હતું. બીએસઇ સેન્સેક્સમાં ૧૨૮ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં ૩૧ પોઇન્ટના ઘટાડો નોંધાઇ ૮,૫૩૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

You might also like