માહિતી ના આપનાર રોકાણકારો સામે IT કાર્યવાહી કરશે

મુંબઇ: કેન્દ્ર સરકાર કાળાં નાણાં ઉપર અંકુશ મૂકવા વિવિધ પગલાં ભરી રહી છે. રોકાણકારો શેર માર્કેટમાં મોટું રોકાણ કર્યું હોવા છતાં તેની વિગતો રિટર્નમાં નહીં દર્શાવીને ટેક્સની ચોરી કરતા હોવાની વિગતો બહાર આવી છે. આવકવેરા વિભાગે આવા રોકાણકાર સામે લાલ આંખ કરી છે. જો રોકાણકારે એક વર્ષમાં દશ લાખથી વધુનું રોકાણ કર્યું હોય તો તેઓને આવકવેરા વિભાગની નોટિસ મળી શકે છે. તેઓએ રોકાણની પૂરી વિગતોની જાણકારી આપવી પડશે. જો રોકાણકાર દ્વારા અપાયેલી રોકાણની વિગતો ખોટી હશે અથવા તો પૂરતી નહીં હોય તો બ્લેક મની કાયદા અંતર્ગત આવા રોકાણકાર વિરુદ્ધ કાર્યવાહી થશે. સરકારની નજર શેરબજાર થકી કાળાં નાણાંને ધોળાં કરનાર કરચોરો ઉપર છે.

આવકવેરા વિભાગ એક વર્ષમાં જેઓએ દશ લાખથી વધુનું શેરબજારમાં રોકાણ કર્યું હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી રહી રહ્યો છે. આવકવેરા વિભાગ કંપનીઓ અને એક્સચેન્જની મદદથી રોકાણ સંબંધી તમામ વિગતો તૈયાર કરી રહ્યો છે. આવા લોકોની રોકાણ સંબંધી આવકનો સોર્સ અને રોકાણની વિગતોની તપાસ થશે અને જો આ માહિતીમાં ગરબડ જણાશે તો તેઓની સામે કાર્યવાહી થશે. દરમિયાન એક વર્ષમાં રૂ. દશ લાખથી વધુનું રોકાણ કર્યું હોવા છતાં તેઓએ રિટર્ન ભર્યું નહીં હોવાની વિગતો પણ આવકવેરા વિભાગ સામે આવી છે. વિભાગ આવા રોકાણકારો સામે કાર્યવાહી હાથ ધરી શકે છે.

You might also like