મોંઘવારી: સરકાર સવેળા નહિ જાગે તો ઘેરા પ્રત્યાઘાત પડશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીનો ગ્રાફ સતત વધી રહ્યાે છે. ત્યારે આવી મોંઘવારીની અસર અેક નહિ પણ અનેક ક્ષેત્રે અસર કરી રહી છે. ત્યારે બીજી તરફ સરકાર અેમ કહે છે કે અગાઉના સમય કરતા આ વખતે મોંઘવારી ઓછી વધી છે. તો તેને બીજી રીતે જોઈઅે તો મોંઘવારી આંકડાની રીતે ઘટી રહી છે પરંતુ વાસ્તવિક રીતે તેમાં વધારો થયાે છે તે પણ અેક હકીકત છે. કારણ આંકડાની માયાજાળ રચી સરકાર મોંઘવારીને ડામવાના પગલાં લેવાને બદલે પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવા માગે છે. હકીકતમાં આવી મોંઘવારીની અસર માત્ર મધ્યમ વર્ગના લોકો પર જ પડી રહી છે. અને સરકાર કહે છે કે યુપીઅે સરકાર કરતા મોંઘવારી ઓછી વધી છે.

છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવમાં જે અસાધારણ ભાવવધારો થયો છે તેની સ્પષ્ટ અસર જે તે પરિવારો પર જોવા મળી રહી છે. અેક તરફ સસ્તા ગણાતા બટાકા અને ડુંગળીના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ટામેટાંના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ટામેટાંના ભાવ વધીને રૂ. ૧૦૦ની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે આગામી શ્રાવણની સિઝન પૂર્વે ડીસા બાજુથી આવતા બટાકાની માગમાં ઉછાળો આવતાં બટાકાના હોલસેલ ભાવમાં ધીમો પણ મજબૂત સુધારો નોંધાયો છે. હાલ સ્થાનિક બજારમાં મીડિયમ ક્વોલિટીના બટાકા ૧૮થી ૨૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ભાવ વધીને રૂ. ૨૫થી ૩૦ની સપાટીએ પહોંચે તેવી શક્યતા સ્થાનિક વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

સપ્તાહમાં બટાકાના ભાવમાં ૨૦થી ૬૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડીસા બાજુથી આવતા બટાકામાં પાણી ઓછું હોવાના કારણે લાંબો સમય રહી શકે છે અને તેને કારણે શ્રાવણ મહિનામાં આ પ્રકારના બટાકાની ઊંચી માગ હોય છે. શ્રાવણ મહિનામાં વિવિધ ફરાળી વાનગીમાં બટાકાનો મોટા પાયે વપરાશ થાય છે.

બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે.આગામી દિવસોમાં બ્રેક્ઝિટ તથા ત્યાર બાદ અમેરિકાની ચૂંટણી અને જર્મનીની ચૂંટણીની અસર પણ બુલિયન બજારમાં જોવાઇ શકે છે અને તેને કારણે સોનામાં આગામી દિવસોમાં સુધારાની ચાલ જોવાય તેવો મત વ્યક્ત કર્યો છે.પરંતુ હજુ સોના અને ચાંદીના ભાવમાં જોઈઅે તેવો ઘટાડો થયો નથી.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સોનામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. જાણકારોના મત મુજબ ૩૨થી ૩૩ હજારની સપાટીએ પણ સોનું જોવાઇ શકે તેવી સંભાવના પણ જણાઈ રહી છે.

અેક માહિતી મુજબ વધતી જતી મોંઘવારીના કારણે કોમોડિટી એક્સચેન્જ પર વાયદાના કારોબારમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં બે કોમોડિટી જેવી કે ચણા અને એરંડામાં ઊંચી સટ્ટાખોરીના કારણે વાયદાના કારોબારમાં પ્રતિબંધ મૂકવાના કારણે કારોબારમાં ભારે ઘટાડો નોંધાયો છે. એનસીડીઇએક્સના વાયદાના કારોબારમાં ઘટાડો નોંધાયો છે. એક વર્ષ પૂર્વે એક્સચેન્જનો એવરેજ દૈનિક કારોબાર રૂ. ૫૨૩૦ કરોડ હતો.

આમ સરકાર ભલે ગમે તેવા આંકડા છુપાવે અથવા લોકો સમક્ષ ખોટા આંકડા રજૂ કરે પણ મોંઘવારી વધી છે તે અેક હકીકત છે. શાકભજી,દૂધ તેમજ જીવનજરૂરી ચીજોના ભાવમાં જે અસાધારણ ઉછાળો આવ્યો છે તે જોતાં આગામી દિવસોમાં જો સરકાર સવેળાઅે નહીં જાગે તો તેને પ્રજાના રોષનો ભોગ બનવું પડશે.

જોકે હાલ આ બાબતે સરકાર સામે પણ કેટલાક પડકારો છે છતાં આપણે આવી મોંઘવારી અંગે સરકાર કંઈક વિચારે તેવી અપેક્ષા રાખીઅે તો તે અસ્થાને નહિ ગણાય.

You might also like