ઈન્દુ સરકાર: રાષ્ટ્રીય કટોકટીનો એક્શન રિપ્લે

‘ભારત માટે ગુલામીકાળ જેટલી જ તીવ્રતાની કોઈ સમસ્યા હોય તો તે હાલ ત્યાં લદાયેલી રાષ્ટ્રીય કટોકટી છે’. ‘ટાઈમ’ મેગેઝિને આવી શરૂઆત સાથે વર્ષ ૧૯૭૫માં પ્રકાશિત કરેલા અહેવાલની આ શરૂઆત છે. વર્ષ ૧૯૭૫થી લઈ ૧૯૭૭ સુધીના ૨૧ મહિના દરમિયાન દેશમાં રાષ્ટ્રીય કટોકટીની પરિસ્થિતિ હતી. ભારતમાં કટોકટીનો ઉલ્લેખ થાય ત્યારે તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ થાય જ છે. ઈન્દિરા ગાંધીએ તે સમયે દેશમાં કટોકટી જાહેર કરી હોવાથી તે સમયની દરેક વાતને ઈન્દિરા ગાંધી અને ગાંધી પરિવાર સાથે સાંકળવામાં આવે છે.

‘પિંક’ ફિલ્મમાં અભિનય કરી ચૂકેલી કીર્તિ કુલ્હારી આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યાં છે જ્યારે ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીના પાત્રમાં નીલ નીતિન મુકેશ જોવા મળશે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલા આ ફિલ્મના ફર્સ્ટ લુકમાં કીર્તિ કુલ્હારી અને નીલ નીતિન મુકેશ જોવા મળે છે. મધુરે આ ફિલ્મ માટે ગાંધી પરિવારની પરવાનગી માટે પ્રયત્નો કર્યા હોવાના કેટલાક અહેવાલો છે પરંતુ હાલ તો આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો એવું જ રટણ કરી રહ્યા છે કે આ ફિલ્મને ઈન્દિરા ગાંધી તેમજ ગાંધી પરિવાર સાથે કોઈ સીધો સંબંધ નથી. આજની યુવા પેઢીને કટોકટીની પરિસ્થિતિ વિશે માહિતી  મળે તે માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. બીજી તરફ ફિલ્મના તે પોસ્ટરમાંથી જોઈ શકાય છે કે કીર્તિ કુલ્હારી અને નીલ નીતિન મુકેશનાં પાત્રો કઈ વ્યક્તિ પર આધારિત છે.

અહેવાલો છે કે ગત કેન્દ્ર સરકારે મધુર ભંડારકરની આ ફિલ્મને ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, જોકે વર્તમાન કેન્દ્ર સરકાર સાથે મધુર ભંડારકરનેે સારા સંબંધો હોવાથી તેની ફિલ્મને હવે પહેલાં જેટલા અવરોધોનો સામનો નથી કરવો પડી રહ્યો. ગત ડિસેમ્બર મહિનામાં આ ફિલ્મનું વિધિવત્ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. મધુર ભંડારકરે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સાથે થોડા દિવસ પહેલાં મુલાકાત કરી હતી અને કટોકટી સમયની કેટલીક પરિસ્થિતિઓની માહિતી મેળવી હતી અને ફિલ્મની વાર્તા વિશે ચર્ચા-વિચારણા કરી હતી.

સંજય ગાંધીના પાત્ર માટે હાલ નીલ ઘણી તૈયારીઓ કરી રહ્યો છે. સંજય ગાંધી વિશે લખાયેલાં સાહિત્યો ને વિવિધ બનાવોનો તે અભ્યાસ કરી રહ્યો છે. ઉપરાંત પોતે પણ આ પાત્રને ન્યાય આપવા માટે સંશોધન કરી રહ્યો છે, જેનું પરિણામ ફિલ્મના ફર્સ્ટ લુકમાં દેખાય છે કે તેણે દેખાવમાં તો સંજય ગાંધીના પાત્રને આત્મસાત્ કર્યું જ છે. આમ પણ કટોકટી સમયે સંજય ગાંધીની ભૂમિકા મહત્ત્વની હોવાથી નીલના પાત્રને પણ સ્ક્રીન પર વધુ હિસ્સો મળશે. ફિલ્મનાં અન્ય પાત્રોને પણ કટોકટીની પરિસ્થિતિ વિશે વાંચવા તેમજ સંશોધન કરવાની સૂચના અપાઈ છે.

ફિલ્મનું શૂટિંગ દિલ્હી, મુંબઈ અને પૂણેમાં કરવામાં આવશે. સિત્તેરના દાયકાનું દિલ્હી શહેર બતાવવા માટે હાલ ફિલ્મના પ્રિ-પ્રોડક્શન દરમિયાન ઘણી મહેનત કરવામાં આવી રહી છે. તે સમયના પહેરવેશ, ઘર, સરકારી કાર્યાલયો, મંત્રાલયો, વિસ્તારો આબેહૂબ બનાવવા

માટે અમુક સેટ તૈયાર કરાયા છે તો તે સમયે ચલણમાં હોય તેવાં વાહનોની વ્યવસ્થા પણ શૂટિંગ માટે કરવામાં આવી છે. ફિલ્મને વર્ષ ૨૦૧૭ના મધ્યભાગમાં પૂર્ણ કરી લેવાની યોજના છે. ‘ચાંદની બાર’, ‘ટ્રાફિક સિગ્નલ’, અને

‘પેજ-૩’ માટે નેશનલ ઍવોર્ડ મેળવનાર તેમજ ‘ફેશન’, ‘કોર્પોરેટ’, ‘આન’, ‘દિલ તો બચ્ચા હૈ જી’અને ‘સત્તા’ જેવી ફિલ્મો આપનારા દિગ્દર્શક મધુર ભંડારકર છેલ્લાં પાંચ વર્ષમાંં ‘હિરોઈન’ અને’કેલેન્ડર ગર્લ’ નામની બે ફિલ્મ આપી ચૂક્યા છે જે કમાણી અને નિર્માણ એમ બંને ક્ષેત્રે નબળી હતી. આ પરિસ્થિતિમાં આવા મજબૂત વિષય પર ફિલ્મ બનવી એ મધુર માટે જીવતદાન કહી શકાય.

You might also like