જે પ્રોપર્ટી માટે દીકરીની હત્યા કરી તે ડોનેટ કરવા ઇન્દ્રાણીઅે વસિયતનામું ફાઈલ કર્યું

નવી દિલ્હી: જે પ્રોપર્ટી માટે ઇન્દ્રાણી મુખરજીઅે ૨૦૧૨માં સગી દીકરી શીના બોરાની હત્યા કરી હોવાનું મનાય છે અે પ્રોપર્ટી પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ઇસ્કોન મંદિરને ડોનેટ કરવાની તૈયારીઅો ઇન્દ્રાણીઅે પૂરી કરી લીધી છે. સૂત્રોઅે જણાવ્યું કે શીના બોરા હત્યા કેસની મુખ્ય અારોપી ઇન્દ્રાણી મુખરજી અાખરી વસિયતનામું લખી રહી છે, તેમાં તેની કરોડો રૂપિયાની પ્રોપર્ટી બે ઠેકાણે ડોનેટ કરવાની શક્યતા છે. હાલમાં વસિયતનામું લખી રહેલી ઇન્દ્રાણીના નજીકનાં સૂત્રોઅે જણાવ્યું કે વસિયતનામું લખવાની વિધિ અંતિમ તબક્કામાં છે.

ઇન્દ્રાણીની માલિકીની તમામ મિલકત ડોનેટ કરવામાં અાવશે. ગયા ડિસેમ્બર મહિનામાં ઇન્દ્રાણીઅે પ્રોપર્ટી ડોનેટ કરવાની ઇચ્છા કોર્ટ સમક્ષ વ્યક્ત કરી હતી. ડિસેમ્બર મહિનામાં ઇન્દ્રાણી મુખરજીઅે કોર્ટને જણાવ્યું હતું કે અા કોર્ટ મને દો‌િષત ઠેરવે કે દોષમુક્ત જાહેર કરે, કોઈ પણ સ્થિતિમાં હું મેં કમાયેલી સંપત્તિનો ૭૫ ટકા હિસ્સો ઇસ્કોનની હરે કૃષ્ણ મૂવમેન્ટ અને મહિલાઅો તથા બાળકો માટે કામ કરતી અેનજીઅોને દાનમાં અાપવા ઇચ્છું છું.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ની ૨૪ અેપ્રિલે શીના બોરાની હત્યા કરવામાં અાવી હતી અને તેની ડેડ બોડીના બળેલા હિસ્સા રાયગઢ જિલ્લાના જંગલમાંથી મળી અાવ્યા હતા. તપાસ શરૂ થઈ ત્યારે સીબીઅાઈઅે પીટર મુખરજીના અાગલાં લગ્ન દ્વારા જન્મેલા દીકરા રાહુલના શીના સાથેના સંબંધો હત્યા માટે કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરી હતી.

૨૦૧૫ના અોગસ્ટ મહિનામાં ઇન્દ્રાણીની ધરપકડ કરાઈ અે પહેલાં તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામ રાયને કસ્ટડીમાં લેવાયા. ઇન્દ્રાણીની ધરપકડ પછી થોડા સમય બાદ તેના પતિ પીટર મુખરજીની પણ ધરપકડ કરાઈ. કેસ અાગળ વધતાં શ્યામ રાય સરકારી સાક્ષી બની ગયો અને ગુનો કેવી રીતે અને શા માટે અાચરવામાં અાવી તેની સિલસિલાબંધ વિગતો સીબીઅાઈને અાપી.
http://sambhaavnews.com/

You might also like