વરલીનો ફલેટ પીટર વેચી શકે નહીં, તેના પર મારો પ્રથમ હકઃ ઇન્દ્રાણી

મુંબઇ: શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખરજીએ વરલીમાં માર્લો હાઉસિંગ સોસાયટીને એક કાનૂની નોટિસ બજાવીને એવો દાવો કર્યો છે કે તેનો પતિ પીટર મુખરજી વરલીનો આ ફલેટ વેચી શકે નહીં, કારણ કે આ ફલેટ પર મારો પ્રથમ હક બને છે.  અત્રે ઉલ્લેખનીય છે કે વરલીમાં પાંચમા માળે ૩,૦૦૦ ચો.ફૂટના ડુપ્લેકસ ફલેટ પોતાના પતિ સાથે શેર કરનાર ઇન્દ્રાણીએ ફલેટ પર પોતાનો માલિકી હક હોવાનો દાવો કર્યો છે.

એવું જાણવા મળ્યું છે કે ઇન્દ્રાણીના પતિ પીટર મુખરજીએ શીના બોરા હત્યાકાંડમાં પોતાનો બચાવ કરવા માટે રોકેલી સાત સભ્યોની કાનૂની ટીમને પેમેન્ટ કરવા માટે આ ફલેટ વેચવાની કાર્યવાહી શરૂ કરી છે. પીટર મુખરજીએ પોતાના બચાવ માટે દેશના સૌથી મોંઘા એવા વકીલોને રોકયા છે અને તેમની ફી ચૂકવવા માટે પીટર આ ફલેટ વેચવાની પેરવીમાં છે.

પીટર અને ઇન્દ્રાણીએ આ ફલેટ ઇન્દ્રાણીને અગાઉના લગ્નથી થયેલી પુત્રી નિધિ મુખરજીને ૭ જાન્યુઆરી, ર૦૧૧ના રોજ ગિફટ ડીડ દ્વારા ભેટ તરીકે આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરલીમાં જે સોસાયટીમાં આ ફલેટ આવેેલો છે તે માર્લો કો.ઓ.હા. સોસાયટીના સેક્રેટરીને ઇન્દ્રાણીના વકીલ મહેશ જેઠમલાણી અને ગુંજન માંગલાએ ત્રણ પાનાનો એક પત્ર લખ્યો છે. આ ફલેટની કિંમત રૂ.૧પથી ર૦ કરોડ હોવાનો અંદાજ છે. હાલ ઇન્દ્રાણી અને પીટર બંને તેમની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં જેલમાં બંધ છે.

You might also like