ઈન્દ્ર પુત્ર જયંતની એક જ આંખ કેમ!

એક બાર ચુનિ કુસુમ સુહાએ; નિજ કર ભૂષન રામ બનાએ ।।૩।।
સીતહિ પહિરાએ પ્રભુ સાદર, બૈૈઠે ફટિક સિલા પર સુંદર ।।૪।।
એક વાર સુંદર પુષ્પો વીણીને શ્રીરામચંદ્રે પોતાના હાથથી ભાત ભાતનાં ઘરેણાં બનાવ્યાં અને સુંદર સ્ફટિક શિલા પર બેઠેલા પ્રભુએ આદર સહિત તે ઘરેણાં સીતાજીને પહેરાવ્યાં. (પરમાત્મા મનુષ્ય અવતાર ધરીને આવ્યા છે. માનવ સ્વભાવ અને ગુણો પ્રમાણે તેનું સુંદર વર્ણન કવિ શ્રી તુલસીદાસજી કરે છે. એક આદર્શ ગૃહસ્થનું આનંદમય જીવનનું આનંદિય-પ્રેમમાય જીવનનું સુંદર ચિત્રણ કર્યું છે અને આથી જ તુલસીદાસજી લખે છે તે પ્રમાણે પરમાત્માએ પુષ્પો વીણીને પોતાના હાથથી ભાત ભાતનાં ઘરેણાં બનાવ્યાં અને સ્ફટિક શિલા પર બેઠેલા પ્રભુએ આદર સહિત એ ઘરેણાં સીતાજીને પહેરાવ્યાં.
સોના, ચાંદી, માણેક, રત્નો વગેરેનાં અનેક ઘરેણાં જાનકી માતાજી પાસે જનકપુરથી આવ્યાં ત્યારે હતાં. અયોધ્યામાં વનમાં આવતા આ બધાં સોના-ચાંદીનાં ઘરેણાંનો ત્યાગ કર્યો. ભગવાન સાક્ષાત્ નારાયણ સ્વરૂપ છે. પરંતુ માનવ શરીરધારી મનુષ્ય બન્યા છે. એટલે જંગલમાં, વનમાં પણ એક આદર્શ ગૃહસ્થ જીવનનો દાખલો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. અને પોતાની પ્રિય પત્ની સીતાજીને પુષ્પોનાં ઘરેણાં બનાવીને પહેરાવે છે, ઘણા જ પ્રેમથી વનમાં જીવન જીવી રહ્યાં છે.
આવા સમયે દેવરાજ ઇન્દ્રનો મૂર્ખ પુત્ર જયંત કાગડાનું સ્વરૂપ ધરીને ભગવાન શ્રી રઘુનાથજીનું બળ જોવાની ઇચ્છા કરે છે. મંદબુદ્ધિને લીધે તે મૂઢ (જયંત ઇન્દ્રનો પુત્ર) કાગડો થઇ સીતાજીના ચરણોમાં ચાંચ મારીને નાઠો. જ્યારે લોહી વહેવા લાગ્યું ત્યારે શ્રી રઘુનાથની એ જાણ્યું અને ધનુષ પર સળીનું બાણ સાધ્યું.
રઘુનાથજીએ ધનુષ્ય પર સળીનું બાણ ચઢાવ્યું. બાણ અગ્નિ જેવું થઇ ગયું. અને જયંત કાગડાની પાછળ પડ્યું. જયંત પોતાનું મૂળરૂપ ધરીને પિતા ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રે તેને સહારો આપ્યો નહીં. જયંત જ્યાં જાય ત્યાં બાણ તેની પાછળ પડી જાય છે, કોઇ સહારો આપતું નથી.
અહીં મુશ્કેલીમાં માર્ગદર્શન આપનાર નારદ મુનિ આવે છે. જયંતને જોઇ તેમને દયા આવે છે અને પ્રભુ શ્રીરામની શરણાગતિ સ્વીકારવા જણાવે છે. જયંત શ્રીરામની પાસે જઇને પોકાર પાડીને કહે છે કે “હે શરણાગતના હિતકારી શ્રીરામ તમે મારી રક્ષા કરો.”
જયંત કહે છે કે હું મૂઢ મતિ આપનું અતુલિત બળ અને પ્રભુના સામર્થ્ય જાણી શક્યો નહીં અને આપનો અપરાધ કર્યો. અપરાધનું ફળ પણ મને મળ્યું જેથી આપ મારું રક્ષણ કરો.
ભગવાન શિવજી મા પાર્વતીને કહે છે કે રઘુનાથજીએ અત્યંત દુઃખ ભરેલી વાણી સાંભળી તેને એક નેત્ર વાળો કર્યો. (એટલે કે કાણો બનાવ્યો) જગત જનની મા સીતાજીને તે વિના કારણે ચાંચ મારનાર જયંતે પરમાત્માની શરણાગતિ તો સ્વીકારી પરંતુ તેણે જે દુષ્કૃત્ય કર્યું તેનું ફળ તેણે ભોગવવું જ રહ્યું અને આથી તેને બે આંખે – જે આંખોએ ખરાબ જોયું-કર્યું. આંધળો ન કરતાં કાણો બનાવ્યો એટલે દુષ્કૃત્ય કરનાર સૌને સાવધ કર્યા છે. વિના કારણ કોઇને દુઃખી કરનાર પછી તેની ભૂલ સ્વીકારે તો પણ તેનું ભૂલનું પરિણામ તો સાક્ષાત્ શ્રીરામને શરણે જાય તો પણ ભોગવવું પડે. ઇન્દ્રનો પુત્ર હોવા છતાં, ભૂલ સ્વીકારી હોવા છતાં પણ એક આંખ તો ખોવી જ પડી. •

You might also like