ભારત-પાક. વચ્ચે સત્તાવાર વેપાર કરતાં દાણચોરી વધુ

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછલા કેટલાક સમયથી સરહદ ઉપર જોવા મળેલી તંગદિલીભર્યા માહોલને કારણે આયાત-નિકાસના વેપાર કારોબાર ઉપર અસર જોવા મળી છે, જોકે ઉદ્યોગ સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સત્તાવાર વેપારી સંબંધો છે, તેના કરતાં ગેરકાયદે એટલે કે દાણચોરી માર્ગે વેપાર ઊંચો થઇ રહ્યો છે. વાર્ષિક ૫૦ કરોડ કરતાં પણ ગેરકાયદે વેપાર થઇ રહ્યો છે. એસોચેમના જણાવ્યા પ્રમાણે ભારતના ગૃહ વિભાગ, લાહોર જર્નલ ઓફ ઇકોનોમિક્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ સહિત કેટલીક સંસ્થાઓના રિસર્ચ રિપોર્ટના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે બંને દેશોના દાણચોરોએ હવાઇ અડ્ડાઓ તથા રેલવે સ્ટેશન પર ગ્રીન ચેનલની સુવિધાનો દુરુપયોગ કરી ગેરકાયદે વેપાર કારોબાર કરે છે. એટલું જ નહીં અફઘાનિસ્તાનના માર્ગે પણ ગેરકાયદે વેપાર થાય છે. ભારતમાંથી મુખ્યત્વે જ્વેલરી, રેડીમેડ ગાર્મેન્ટ, મશીનો અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની દાણચોરી કરવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનમાંથી પણ રેડીમેડ ગાર્મેન્ટ, સૂકાં ફૂલો, મસાલા અને કાર્પેટ જેવી ચીજવસ્તુઓ દાણચોરી માર્ગે લાવીને વેપાર કારોબાર કરવામાં આવે છે. એસોચેમના જણાવ્યા પ્રમાણે બંને દેશો વચ્ચે એક અંદાજ મુજબ સત્તાવાર વેપાર કારોબાર ૨૬.૭ કરોડ ડોલર થાય છે, જ્યારે ગેરકાયદે વેપાર વાર્ષિક ૫૦ કરોડ ડોલર કરતાં પણ
વધુ થાય છે.

You might also like