ઈન્દિરાબ્રિજ નજીક છઠ્ઠપૂજા અને ગણેશ વિસર્જન માટે ભવ્ય ઘાટ બનશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારા નજીક શાહીબાગ ડફનાળા જવાની દિશાએ છઠ્ઠપૂજા અને ગણેશ વિસર્જન માટે નારાયણ ઘાટ જેવો ભવ્ય ઘાટ બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

મેગાસિટી અમદાવાદ હવે પચરંગી શહેર બન્યું છે. અમદાવાદમાં દેશના વિભિન્ન રાજ્યના લોકો રોજીરોટી કમાવવા વસવાટ કરી રહ્યા છે, જેમાં બિહારી પ્રજાનો પણ સારો એવો હિસ્સો છે. બિહારી લોકોમાં છઠ્ઠપૂજાનું અદકેરું મહત્વ છે. છઠ્ઠપૂજાના અવસરે બિહારી મહિલાઓ નદીકાંઠે વિશિષ્ટ પ્રકારની સૂર્યપૂજા કરે છે. સાબરમતી નદીના ઇન્દિરાબ્રિજ પાસે છઠ્ઠપૂજા માટે સેંકડો શ્રદ્ધાળુઓ એકઠા થતા આવ્યા છે. છઠ્ઠપૂજાના અવસરે શહેર-રાજ્યના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહેતા જોવા મળ્યા છે. કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાય છે.

જોકે હવે કોર્પોરેશન ઇન્દિરાબ્રિજ નજીક શાહીબાગ ડફનાળા તરફ છઠ્ઠપૂજા માટે ભવ્ય ઘાટ બનાવશે. આ માટેના ઇ-ટેન્ડર પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે. નારણઘાટ જેવો જ આ ઘાટ બનશે. આ ઘાટના નિર્માણ પાછળ આશરે ૧૦ કરોડ ખર્ચાશે. જ્યારે ઇન્દિરા બ્રિજથી ઘાટ સુધી પહોંચવાના એપ્રોચ રોડના નિર્માણ માટે રૂ.એક કરોડ ખર્ચાશે ડાયાફ્રામ વોલ, રિટેનિંગ વોલ, લોઅર અને અપર પ્રોમેનેડ તેમજ ટોઇલેટ બ્લોક જેવી સુવિધાઓ ઘાટ ખાતે ઊભી કરાશે.

કોર્પોરેશનના ટોચનાં સૂત્રો કહે છે, અમદાવાદીઅોમાં ગણેશપૂજાનું મહત્વ અનેકગણું વધ્યું હોઇ પૂર્વના વિસ્તારોના ગણેશભક્તો માટે શ્રીજીના વિસર્જન માટે ઇન્દિરા બ્રિજનો આ વધારાનો ઘાટ ઉપલબ્ધ થશે. આમ છઠ્ઠપૂજા અને ગણેશ વિસર્જન એમ બંને માંગલિક પ્રસંગો માટે ડિસેમ્બરના અંત સુધીમાં ઇન્દિરાબ્રિજનો ઘાટ લોકોપયોગી બનશે.

http://sambhaavnews.com/

You might also like