શેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક

મુંબઇઃ ગ્લોબલ માર્કેટમાં દબાણ ઓછું થવાની સાથે આજે શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. સેન્સેક્સ ૭૩ પોઇન્ટના ઉછાળે ૩૭,૬૩૨ અને નિફ્ટી ૧૨ પોઇન્ટના વધારા સાથે ૧૧,૩૦૪ની સપાટી પર ખૂલી હતી.

જો કે આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૩૭ પોઇન્ટના ઉછાળા સાથે ૩૭,૫૯૬ પર અને નિફ્ટી માત્ર બે પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૩૦૪ પર ટ્રેડ કરી રહી છે. આમ, નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક દેખાઇ રહી છે. જોકે ટ્રેડ વોરની ઇમ્પેક્ટ રૂપિયા પર જોવા મળી રહી છે અને આજે ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા તૂટીને ૭૦.૦૫ની સપાટીએ ખૂલ્યો હતો.

આમ, રૂપિયાએ હવે ૭૦નું લેવલ દેખાડી દીધું છે. રૂપિયામાં ગઇ કાલે પણ નબળાઇ જોવા મળી હતી. ગઇ કાલે રૂપિયો ૨૩ પૈસા તૂટીને ૩૯.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આજે રિલાયન્સના શેરમાં ૧.૫૦ ટકાની તેજી દેખાઇ રહી છે, જોકે માર્કેટ હજુ ગઇ કાલના શેરબજારનો હાઇ તોડવામાં નિષ્ફળ રહ્યું છે.

સેક્ટોરલ ઇન્ડેક્સમાં એફએમસીજી, આઇટી અને ફાર્મા શેરને બાદ કરતાં મોટા ભાગના ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે.
સૌથી વધુ તેજી બેન્ક અને રિયલ્ટી શેરમાં જોવા મળી છે. બેન્ક શેરમાં સૌથી વધુ તેજી જમ્મુ અને કાશ્મીર બેન્કના શેરમાં જોવા મળી છે.

યસ બેન્કમાં ૧.૬૭ ટકાની તેજી દેખાઇ રહી છે. આઇસીઆઇસીઆઇ બેન્ક અને રિલાયન્સના શેર ટોપ ગેનર્સમાં સામેલ છે, જ્યારે એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ અને હિંદુસ્તાન યુનિ લિવર ટોપ લુઝર્સમાં સામેલ છે. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વધુ ઉગ્ર બની છે.

You might also like