૨૦૧૫માં ચાંદીની રેકોર્ડબ્રેક આયાત થાય તેવી શક્યતા

મુંબઇ: કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં ચાંદીની રેકોર્ડબ્રેક આયાત થાય તેવી શક્યતા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ઊંચા વપરાશની સાથેસાથે ચાંદીની જ્વેલરી તથા અન્ય કલાત્મક ચીજવસ્તુઓમાં પણ ચાંદીના વધતા ઉપયોગને લઇને દેશમાં ચાંદીની ઊંચી આયાત જોવાઇ હતી. સ્મોલ ગોલ્ડ ડોટ કોમના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૫માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૫,૮૧૯ ટન ચાંદીની આયાત થઇ હતી. વર્ષ ૨૦૧૫માં ૭,૭૫૯ ટન ચાંદીની આયાત થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. જે અત્યાર સુધી કોઇ પણ કેલેન્ડર વર્ષ કરતાં

સૌથી વધુ છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪ના સમયગાળા દરમિયાન ચાંદીની આયાત ૭,૦૮૩ ટન થઇ હતી. પાછલાં બે-ત્રણ વર્ષથી ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે અને તેના કારણે ચાંદીમાં આકર્ષણ વધ્યું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ચાંદીની આયાતથી એવા સંકેતો પણ મળી રહ્યા છે કે ચાંદીની આયાતમાં નવો રેકોર્ડ બનશે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૪માં ચાંદીની કિંમતમાં ૧૯.૩૧ ટકાનો ઘટાડો જોવાયા બાદ વર્ષ ૨૦૧૫માં ચાંદીની કિંમતમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. ઘટતા જતા ભાવને લઇને ચાંદી ગ્રાહકોને પરવડી શકે તેવી સપાટીએ પહોંચી ગઇ છે, જેને લઇને ચાંદીની આયાત રેકોર્ડબ્રેક થાય તેવી શક્યતા છે.

You might also like