પાનના નવા નિયમના પગલે મોટા જ્વેલર્સના વેપારને સીધી અસર થશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે આજથી અમલમાં આવે તે રીતે રૂ. બે લાખ કે બે લાખથી વધુના રોકડ જ્વેલરીની ખરીદી માટે પાન કાર્ડનાે નિયમ ફરજિયાત બનાવવાની સાથે જ જ્વેલર્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓના કહેવા પ્રમાણે સરકારના નવા નિયમના કારણે મોટા જ્વેલર્સના કારોબારને સીધી અસર થવાની ભીતિ સેવાઇ રહી છે. તેઓના કહેવા પ્રમાણે પાન કાર્ડના નવા નિયમના કારણે ખરીદદારો પણ આવકવેરાના નિયમથી ખચકાટ અનુભવી રહ્યા છે.

મોટા જ્વલર્સના કારોબારમાં ૧૦થી ૨૦ ટકાનો કારોબાર ઘટવાનો ભય સતાવી રહ્યો છે. તેઓના કહેવા પ્રમાણે ગ્રાહકો નાના અને મધ્યમ કક્ષાના જ્વેલર્સ પાસેથી ખરીદી કરવાનું વધુ પસંદ કરશે, જેમાં નાણાકીય વ્યવહાર માટે વધુ સાનુકુળતા રહેશે. સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના એક અગ્રણી જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સરકારના આ નવા નિયમથી લોકો અને વેપારીઓ છટકબારી શોધવાનું વધુ પસંદ કરી શકે છે, જેનાથી સરકારનો ઉદ્દેશ સિદ્ધ થશે કે કેમ તે અંગે શંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મર્યાદા રૂ. પાંચ લાખની હતી. જ્વેલર્સ બે લાખની આજથી અમલી થતી પાન કાર્ડની મર્યાદા વધારવાની પણ સરકાર સામે માગ કરી રહ્યા છે.

You might also like