અન્ડર ૧૯ વર્લ્ડકપમાં બે ભારતીય અમ્પાયરનો સમાવેશ

૧૩મી જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં યોજાનાર અન્ડર ૧૯ના વર્લ્ડકપમાં ફરજ બજાવવા માટે નીમાયેલા ૧૪ સત્તાવાર અમ્પાયરની યાદીમાં બે ભારતીય અમ્પાયર અનિલ ચૌધરી અને સી. કે. નંદનનો પણ સમાવેશ કરાયા છે. એવી જાહેરાત આઈસીસીએ કરી હતી.

આ વર્ષના અન્ડર ૧૯ના વર્લ્ડકપમાં કામગીરી બજાવનાર અમ્પાયરમાં રોબર્ટ બેઈલી, ગ્રેગરી બ્રેથવેઈટ, અનિલ ચૌધરી, નાઈગલ ડુગુડ, શોન જ્યોર્જ, શોન હેગ, માર્ક હોવથોર્ન, રેનમોર માર્ટિનેઝ, સી. કે. નંદન, અહેસન રાઝા, શોઝબ રાઝા, ટિમોથી રોબર્ટ રોબિનસન, લેન્ગટન રુસર્વ અને પોલ વિલ્સનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, આઈસીસી ડેવલપમેન્ટ પેનલના ડેવિડ ઓડિહેમ્બો, બુદ્ધિ પ્રધાન અને ઈયાન રમેજ પણ સ્પર્ધામાં ફરજ બજાવશે. આઈસીસી મેચ રેફરીઓની એલિટ પેનલના જેફ ક્રોવ તથા આઈસીસી મેચ રેફીઓની આંતરરાષ્ટ્રીય પેનલના દેવદાસ ગોવિંદજી તથા ગ્રેએમ લા બ્રૂય પણ કામગીરી બજાવશે. સ્પર્ધાના નોક આઉટ તબક્કાની મેચો માટેના અમ્પાયર અને રેફરીઓની ટીમ નક્કી થયા પછી નિમણૂક કરાશે.

વેસ્ટ ઈન્ડીઝ પોતાના ગઈ વેળાના વિજેતાપદને જાળવી રાખવાના અને પાકિસ્તાનની બરોબરી કરવાના પ્રયાસમાં રમશે. પાકિસ્તાને ૨૦૦૪ અને ૨૦૦૬માં ઉપરાઉપરી આ સ્પર્ધા જીતી હતી. ઓસ્ટ્રેલિયા અને ભારતે આ સ્પર્ધાનો તાજ ત્રણ વાર જીત્યો છે. અન્ય વિજેતાઓમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ છે. ૧૬ ટીમની આ સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડીઝ અને આયોજક ન્યૂઝીલેન્ડ વચ્ચે આરંભિક મેચ ઓવલ ખાતે રમાશે.

અન્ય ટીમ છે: ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, કેન્યા, નામિબિયા, પપુઆ ન્યૂગિની, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે. ભાગ લેનારી ટીમને ચાર ચારના વિભાગમાં વહેંચવામાં આવી છે જેમાંથી ટોચની બે ટીમ સ્પર્ધાના સુપર લીગ તબક્કામાં પ્રવેશ કરશે અને બાકીની આઠ ટીમ વચ્ચે પ્લેટ તબક્કાની મેચ રમાશે.

You might also like