ઈન્દિરા આવાસ યોજના હવે પ્રધાનમંત્રી આવાસ તરીકે ઓળખાશે

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વધુ અેક સ્કીમના નામને ગાંધી પરિવારથી અલગ કરવા આગળ વધી રહી છે. આ વખતે કેન્દ્ર દ્વારા ઈન્દિરા આવાસ યોજનાનું નામ બદલવા આયોજન થઈ રહ્યું છે. આ યોજના હેઠળ ગરીબો માટે ઘર બનાવવામાં આવે છે. આ યોજનાનું નામ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં તમામને ઘરનો લાભ આપવાનો મુખ્ય આશય છે.

આ અંગે અેક સિનિયર સરકારી અધિકારીઅે જણાવ્યું કે યોજનાના નામમાં ફેરફાર તો કરવામાં આવે છે. સાથોસાથ આ સ્કીમમાં પણ પરિવર્તન કરવામાં આવે છે. આ સ્કીમના નામમાં ગ્રામીણ શબ્દ ઉમેરવામાં આવે કે નહિ તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ સ્કીમમાં સંશોધન સાથે સંકળાયેલી નોંધ પહેલા જ રજૂ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ બનનારા ઘરને મોટા અને થોડા વધુ મોંઘાં બનાવવામાં આવે તેવો પ્રસ્તાવ થયો છે. હાલમાં આ માટે જે ૭૫ હજારનો ખર્ચ છે તેે ૧.૨૫ લાખ થઈ જશે.

નવી ડિઝાઈનમાં બનનારાં આ ઘર મોટાં હશે. તેમાં રસોડા અને રૂમની સાઈઝ માેટી રહેશે. સરકાર આ યોજનાને ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી અન્ય યોજનાઓ સાથે જોડવાના પ્રસ્તાવ અંગે કામ કરી રહી છે. માેદી સરકાર આ અગાઉ રાજીવ ગાંધીના નામ સાથે જોડાયેલી બે યોજનાનાં નામ બદલાવી ચુકી છે. જેમાં અેક યોજનાનું નામ સરદાર પટેલ અને બીજી યોજનાનું નામ દીનદયાળ ઉપાધ્યાય રાખ‍વામાં આવ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ઈન્દિરા આવાસ યોજના હેઠળ બનતાં ઘરમાં ભારે ઘટાડો થયો છે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૧૫માં ૯.૮૦ લાખ ઘર બનાવવામાં આવ્યાં છે.

You might also like