ભારતીય યુવાનોમાં મોબાઈલનું ભારે એડિકશન: સર્વેનાં તારણો ચિંતાજનક

મોબાઇલ અને ઇન્ટરનેટ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયાં છે. થોડો સમય પણ ઇન્ટરનેટ બંધ રહે તો આપણે અકળાઇ ઊઠીએ છીએ. હકીકતમાં આ બંને દુનિયાના કરોડો લોકો અને ખાસ કરીને યુવાઓ માટે એક જોરદાર લત બની ગયાં છે. એઇમ્સ દ્વારા કરાયેલા એક અભ્યાસનાં તારણો ચોંકાવનારાં અને ચિંતાજનક છે. દરેક બીજો યુવા (યુવક કે યુવતી) મોબાઇલનાે વ્યસની બની ગયાે છે.

આ અભ્યાસ કહે છે કે મોબાઇલના વળગણથી સામાજિક અને પારિવારિક જિંદગી વધુ જટિલ બની રહી છે. અભ્યાસમાં એવી ચોંકાવનારી કબૂલાત ૧૪ ટકા લોકોએ કરી છે. તેમના કહેવા પ્રમાણે મોબાઇલના વળગણના લીધે તેમના સંબંધો પણ જોખમમાં મુકાઇ ગયા છે, જોકે આશ્વાસન લેવા જેવી બાબત એ પણ છે કે મોબાઇલની લત નુકસાનકારક છે તેવી સમજણ પણ લોકોમાં વધી છે.

કેટલાક યુઝર્સ તો થોડા સમય માટે સોશિયલ મી‌ડિયા અને ગેમ્સથી દૂર રહેવાનો પ્રયોગ પણ કરી રહ્યા છે. એઇમ્સના મનોચિકિત્સક ડો.યતનપાલસિંહ બલહારાના જણાવ્યા મુજબ ગત વર્ષના નવેમ્બરમાં આયોજિત વર્લ્ડ ટ્રેડ ફેરમાં આવેલા ૮૧૭ લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાંના મોટા ભાગના સ્નાતક અથવા તો અનુસ્નાતક સુધી ભણેલા હતા. અભ્યાસમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર ૩ર વર્ષ હતી. મોબાઇલની લત કેટલી છે તે જાણવા ૧૧ જેટલાં લક્ષણ નક્કી કરાયાં હતાં અને તે મુજબ સવાલ કરાયા હતા.

૩પ ટકા લોકોએ માન્યું કે તેમને મોબાઇલની લતનાં એક કે બે લક્ષણ હતાં. ત્રણથી છ લક્ષણની કબૂલાત ૧૪ ટકાએ જ્યારે સાતથી નવ લક્ષણ હોવાનું પાંચ ટકા લોકોએ સ્વીકાર્યું હતું. ૪૧ ટકા લોકોએ કહ્યું કે મોબાઇલની લતથી છૂટવા માટે તેઓ મનોચિકિત્સકની મદદ લેવાનું વિચારે છે.

૧પ ટકા લોકોએ આવી મદદ લીધી હોવાનું કહ્યું હતું. અભ્યાસમાં સામેલ લગભગ ર૦ ટકા લોકોએ નિખાલસ કબૂલાત કરી કે તેઓ તેમની મોબાઇલની લતથી પીછો છોડાવવા માગે છે પણ છોડી શકતા નથી.

૧૯ ટકા લોકોએ એ પણ સ્વીકાર્યું કે મોબાઇલની લતથી જીવનની ઘણી બાબતોમાંથી તેમનો રસ ઓછો થઇ ગયો છે. નિષ્ણાતોના મતે આ અભ્યાસથી મળેલા આ આંકડા ચોંકાવનારા છે. ભવિષ્યમાં તેનાં ગંભીર પરિણામ આવી શકે છે. મોબાઇલના કારણે પતિ-પત્ની વચ્ચેેના ઝઘડાના કિસ્સા વધી રહ્યા છે.

કેટલાક કિસ્સામાં તો વાત છૂટાછેડા સુધી પહોંચી છે. અભ્યાસમાં સામેલ લોકોને જે પ્રશ્ન પુછાયા હતા, જેમાં તેમણે હા કે નામાં જવાબ આપવાનો હતો, જેમ કે મને મોબાઇલની લત લાગી છે. મોબાઇલ યુઝ ના કરું તો સૂનું સૂનું લાગે છે.

મોબાઇલની લત એટલી બધી છે કે કલાકો બરબાદ થાય છે. કેટલાંકે તો એમ પણ કહ્યું કે રોજબરોજની ચિંતા અને તણાવમાંથી મુક્ત થવા તેઓ મોબાઇલમાં ખોવાઇ જાય છે. આવું કહેનારા લોકોએ એમ પણ કહ્યું કે તેનાથી તેમના કહેવાતા સ્ટ્રેસમાંથી મુકિત મળી નથી.

યુવાઓ કરતાં બાળકો અને કિશોરોમાં વધી રહેલું મોબાઇલનું વળગણ ચિંતાનો વિષય છે. આજકાલ આઠ-દસ વર્ષનાં બાળકો કલાકો સુધી મોબાઇલમાં બિઝી રહે છે. બાળકો ખાસ કરીને મોબાઇલમાં ગેમ્સ રમવાની લતે ચડી જાય છે, જેમાં વાંક માતા-પિતાનો હોય છે, જે બાળકોને મોબાઇલ આપે છે.

ઘણીવાર તો બાળક ઘરમાં તોફાન ના કરે અને ઘરના રોજિંદા કામમાં ખલેલ ના પહોંચાડે તે માટે માતા જ મોબાઇલ આપી દે છે. પબજી જેવી ગેમ્સનું તો બાળકો અને કિશોરોને પણ ઘેલું લાગ્યું છે. બાળકો અન્ય ગેમ્સ રમવાના બદલે મોબાઇલમાં જ રચ્યાપચ્યાં રહે છે.

હિંસક ગેમ રમતાં બાળકો પણ હિંસક વર્તન કરતાં થઇ જાય છે. અનેક માતા-પિતાને તેમના બાળકને મોબાઇલ ગેમ્સની ચુંગાલમાંથી છોડાવવા મનોચિકિત્સકના શરણે જવાની ફરજ પડે છે. બાળકોને એક વાર મોબાઇલની લત લાગે તો તેને પ્રેમથી છોડાવવી પણ અઘરી હોય છે.

વળી, માતા-પિતા પણ પોતાનાં બાળકોની સામે મોબાઇલમાં જ વ્યસ્ત રહે ત્યારે પરિસ્થિતિ કફોડી બને છે. મોબાઇલની લતની ગંભીરતા જોતાં કેટલાક લોકો તો હવે જેમ ૧૮ વર્ષથી નીચેનાં બાળકોના મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી રહ્યા છે.

You might also like