વેદોમાં છે અનેક ગૂઢ રહસ્યો, વેદોનો નિચોડ શેમાં છે? શું છે આત્મા-મરણના સિદ્ધાંતો?

વેદ હિંદુ ધર્મનો પ્રથમ અને પ્રમુખ ધર્મગ્રંથ છે. આપણા દેશના અનેક વિદ્વાનો તેમજ કેટલાય વિદેશી વિદ્વાનોએ પણ વેદોનો ઊંડો અભ્યાસ કર્યો જ છે. વળી હવે તો વેદોનું જ્ઞાન કેટલીય ભાષાઓમાં ભાષાંતર થયું છે. એટલે સામાન્ય જનસમાજ, જેઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવતા નથી, તેઓ પણ પોતાની માતૃભાષામાં જ વેદનું જ્ઞાન સરળતાથી અને સહજતાથી મેળવી શકે છે.

વેદ અનેક ઋષિઓનું દર્શન છે અને વેદોની રચનાનો ગાળો પણ ઘણો વિશાળ છે. અર્થાત સેંકડો ઋષિઓએ હજારો વર્ષ સુધી જે જોયું, જે અનુભવ્યું અને જે રજૂ કર્યું તે વેદ છે. એટલે વેદનું જ્ઞાન ઘણું વિશાળ, સંપૂર્ણપણે વ્યાપક અને અપરંપાર વૈવિધ્યપૂર્ણ છે.

વેદ મૂળભૂત રીતે આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથો છે. વેદમાં પરમપદની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણવામાં આવે છે. વેદમાં અનેક દેવોની સ્તુતિ છે. વેદમાં મૂળભૂત રીતે એકેશ્વરવાદ જ છે અને તેના પાયા પર આધારિત બહુદેવવાદ પણ છે. ટૂંકમાં વેદમાં બહુદેવવાદ સહિત એકેશ્વરવાદ છે. વેદમાં અનેક દેવો અને એક ઈશ્વર વચ્ચે કોઈ વિરોધ નથી.

આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય છે કે વેદ દ્વૈતવાદી છે કે અદ્વૈતવાદી. હવે આદિ શંકરાચાર્ય વેદમાં અદ્વૈતવાદ જુએ છે, આચાર્ય માધવાચાર્ય વેદમાં દ્વૈતવાદ જુએ છે અને મહર્ષિ દયાનંદ વેદમાં ત્રિક્વાદ (જીવ, જગત અને બ્રહ્મ એમ ત્રણ અલગ રચનાઓ છે તેમ માનવું) જુએ છે. આ ત્રણેય સાચા છે. વેદની સંહિતામાં આ ત્રણેય દર્શનના પુરસ્કર્તાઓ પોતપોતાના મતને સાબિત કરે તેવા મંત્રો શોધી શક્યા છે. વાસ્તવમાં દ્વૈત, અદ્વૈત કે ત્રિક એ સર્વે એક પરમ સત્યને જોવાની ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે.

હિંદુ ધર્મના એક ઘણાં મહત્વનાં એવાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનાં બીજ વેદના મંત્રોમાં જોવા મળે છે. જીવ જે કાંઈ સારાં નરસાં કર્મો કરે છે, તેનું ફળ તેને ભોગવવું પડે છે, એવો કર્મનો નિયમ છે. મૃત્યુ તો માત્ર સ્થૂળ શરીરનો જ અંત છે. મૃત્યુથી જીવનું અસ્તિત્વ એટલે કે ‘આત્મા’નો નાશ થતો નથી. મૃત્યુ દ્વારા જીવાત્મા એક શરીર છોડી પુનર્જન્મ દ્વારા નવું શરીર ધારણ કરે છે. જન્મમરણની આ ઘટમાળ મોક્ષપર્યંત ચાલુ જ રહે છે. આ વિચારસરણીના મુખ્ય ત્રણ સિદ્ધાંત છે:
• આત્મા અજરઅમર છે.
• આત્મા પુનર્જન્મ ધારણ કરે છે.
• આત્મા પોતાનાં કર્મો અનુસાર ફળ પામે છે.

આ ત્રણ સિદ્ધાંતોનો ભારતીય ધર્મસાહિત્યમાં સર્વત્ર સ્વીકાર થયો છે. વેદને પ્રમાણ તરીકે નહિ સ્વીકારનાર બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ આ સિદ્ધાંતોનો સ્વીકાર થયો છે.

અવતારવાદ મુજબ પરમાત્મા અવારનવાર માનવશરીર અથવા માનવેતર શરીર ધારણ કરીને પૃથ્વી પર અવતાર લે છે અને લોકોનાં દુઃખ દૂર કરે છે. સામાન્ય માન્યતા મુજબ વેદમાં અવતારવાદનું વર્ણન નથી. પરંતુ અન્ય એક અભિપ્રાય મુજબ વેદ અને વૈદિક સાહિત્યમાં ઘણી જગ્યાએ અવતારવાદના ઉલ્લેખો જોવા મળે છે.

વેદમાં મોક્ષનો અંતિમ અને પરમ પુરુષાર્થ તરીકે સ્વીકાર થયો છે અને આ મોક્ષ એટલે કે પરમપદ પ્રાપ્ત કરવા માટેની આવશ્યક આધ્યાત્મિક સાધનાપધ્ધતિઓની વિગતો પણ વેદમાં છે. એક દૃષ્ટિબિંદુ પ્રમાણે હિંદુ સંસ્કૃતિ મુજબ જીવનમાં મુક્તિ માટેના ત્રણ માર્ગ છે: કર્મ, ભક્તિ અને જ્ઞાન. મનુષ્ય આ ત્રણ માર્ગ થકી જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષનો અર્થ સ્વર્ગ કે નર્કના અર્થમાં નથી, પરંતુ મોક્ષ જીવનની એવી અવસ્થાનું નામ છે કે જયારે માણસ કર્મોનાં બંધનમાંથી મુક્ત થઇને જન્મોનાં બંધનમાંથી મુક્તિ મેળવે છે. વેદો આ ત્રણેય માર્ગોનું પ્રતીક છે. ઋગ્વેદ જ્ઞાન, યજુર્વેદ કર્મ (કર્મકાંડ) અને સામવેદ ભક્તિના ગ્રંથ છે, જે ત્રણેય મનુષ્યને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. અન્ય એક દ્રષ્ટિબિંદુ પ્રમાણે માનવજીવનના ચાર પુરુષાર્થ છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ચારેય વેદ આ ચાર પુરુષાર્થનાં પ્રતીક છે.

ગણિત, ખગોળવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પર્યાવરણવિજ્ઞાન, ધાતુવિજ્ઞાન, પ્રકાશવિજ્ઞાન, સૃષ્ટિવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, ઉડ્ડયનશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, કૃષિ, ઉદ્યોગ, અર્થશાસ્ત્ર, રાજનીતિ, સમાજશાસ્ત્ર, આયુર્વેદ, દર્શન, યોગ, કર્મફળ, મોક્ષ-આ બધું જ વેદોમાં છે.

વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. કેટલાક વિદ્વાનોના મત મુજબ વેદ કોઈ એક ગ્રંથ નથી, પણ અનેક ગ્રંથોનો સમૂહ છે. ઉપનિષદ વેદનો અંતિમ ભાગ છે, તેથી તેમને વેદાંત પણ કહે છે. આ ગ્રંથોમાં વેદનો નિષ્કર્ષ આપવામાં આવેલો છે, અર્થાત વેદનો અર્ક અથવા નિચોડ તેમાં છે. આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન મુખ્ય વિષય છે.

બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ગ્રંથો વેદને એટલેકે સંહિતા ભાગને સંલગ્ન અને પૂરક છે. તેથી અમુક વિદ્વાનો આ ગ્રંથોને વેદના ભાગ તરીકે જ ગણે છે. આમ પ્રત્યેક વેદ ચાર વિભાગમાં જોવા મળે છે. પહેલા ત્રણ ભાગ એટલે કે મંત્ર સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક ભાગોને પૂર્વ મિમાંસા દર્શન કહે છે, જેમાં કર્મકાંડનું વર્ણન છે. જયારે ઉપનિષદ વેદનો અંતિમ ભાગ હોવાથી વેદાંત દર્શન તરીકે ઓળખાય છે.•

You might also like