ઊરીમાં ભારતીય સેનાએ જૈશના પાંચ ઘૂસણખોર આતંકીઓને ઢાળી દીધા

ઊરી (જમ્મુ-કાશ્મીર): જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે ભારતીય સેનાનું ઓપરેશન ઓલઆઉટ પૂરજોશમાં જારી છે. આજે સવારે ઊરી સેક્ટરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ખોફનાક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા હતા.

આ ઓપરેશન ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે હાથ ધર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ (ડીજીપી) એસ.પી. વૈદ્યે આજે સવારે ટ્વિટ કરીને આ ઓપરેશન અંગે માહિતી આપી હતી.

માર્યા ગયેલા આતંકીઓ પાક. સ્થિત ખોફનાક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. ડીજીપી એસ.પી. વૈદ્યે આજે સવારે ૮.૫૨ કલાકે ટ્વિટ કરીને ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકીઓને ઢાળી દીધા હતા.

ચોથા આતંકીને મારવાની કોશિશ જારી છે અને ત્યાર બાદ પાંચ મિનિટ પછી તેમણે ફરીથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ જૈશના ચોથા આતંકીને ઠાર માર્યો છે. ત્યાર બાદ સેનાએ એક વધુ આતંકીને ઠાર માર્યો હતો.

પાકિસ્તાન તરફથી વારંવાર ઊરી સેક્ટરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ગયા શુક્રવારે અહીં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ તેનો જડબાંતોડ જવાબ આપ્યો હતો.

આ અગાઉ ગઈ સાલ જૂનમાં પણ પાકિસ્તાનને ઊરી સેક્ટરમાં ૪૮ કલાકમાં બે વખત ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ ઘૂસણખોરીના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા.

દરમિયાન રવિવારે ભારતીય સેનાના વડા જનરલ બિપીન રાવતે જમ્મુ-કાશ્મીરમાં કાયમી રીતે શાંતિ સ્થાપવા માટે એક નવી ફોર્મ્યુલાનું સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેના હવે માત્ર જૂની નીતિઓ પર ચાલી શકે નહીં.

આ માટે કેટલાક નવા રસ્તા અપનાવવા પડશે. તેની સાથે સાથે પાકિસ્તાન પર સીમા પારથી આતંકી પ્રવૃત્તિઓ રોકવા માટે પણ દબાણ લાવવું પડશે. તેમણે જણાવ્યું હતું કે આ માટે હવે સેનાની જૂની નીતિઓ પર કામ ચાલી શકશે નહીં અને નવું કરવું પડશે.

અગાઉ પણ ઊરીમાં આતંકી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા બાદ ભારતીય સેનાએ ૨૮-૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ની રાત્રે અંકુશ રેખા પાર કરીને પાકિસ્તાની સરહદમાં આવેલી સાત આતંકીઓની છાવણી પર સર્જિકલ સ્ટ્રાઈક કર્યા હતા. ભારતના જાંબાઝ જવાનોએ એલઓસી પાર કરીને આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી નાંખ્યો હતો.

એ રાત્રે ૧૨.૦૦ વાગ્યાની આસપાસ પુંચથી એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર ‘ધ્રુવ’ પર ૨૫ કમાન્ડો સવાર થઈને પાક. હસ્તકના કાશ્મીરમાં પ્રવેશ્યા હતા અને હેલિકોપ્ટરે આ જવાનોને એક સુમસામ જગ્યાએ ઉતારી દીધા હતા ત્યાર બાદ ભારતીય કમાન્ડોએ સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરીને પાક.ની આતંકી છાવણીઓનો સફાયો કર્યો હતો.

You might also like