હવે ટ્રેન ચલાવતા પહેલા ડ્રાઈવરોએ મોબાઈલ સ્વિચ ઑફ કરવા પડશે

નવી દિલ્હી, ગુરુવાર
રેલવે એન્જિનમાં ચડતાં પહેલાં ડ્રાઇવરોએ પોતાના મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરવા પડશે. જો કોઇ પણ મોબાઇલ ચાલુ પકડાશે તો ચાલકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે. ઉત્તર રેલવેએ દુર્ઘટના રોકવા આ આદેશ જારી કર્યો છે.

કંટ્રોલરૂમના અધિકારી અને લોકો ઇન્સ્પેક્ટર ડ્રાઇવરોની દેખરેખ રાખશે. ઇમર્જન્સીમાં સૂચના મોકલવા માટે રેલવે ડ્રાઇવરોને વોકીટોકી અને સીયુજી મોબાઇલ આપવામાં આવ્યા છે. ડ્રાઇવરોએ સીયુજી નંબરનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

ધુમ્મસમાં સિગ્નલ દેખાતા નથી. આવા સંજોગોમાં કેટલાક ડ્રાઇવરો કોલ કરીને સ્ટેશન માસ્તરને સિગ્નલ અંગે પૂછી લે છે અને ત્યાર બાદ ટ્રેન ચલાવે છે, જેના કારણે દુર્ઘટના થવાનો ખતરો વધુ રહે છે. આ ઉપરાંત ડ્રાઇવરો ટ્રેન ચલાવતી વખતે મોબાઇલ પર અન્ય લોકો સાથે વાતચીત કરતા હોય છે.

આ બાબતને ધ્યાનમાં રાખતાં ઉત્તર રેલવે મુખ્યાલયના ડેપ્યુટી સીએમઇ/ઓ એન્ડ એફ કાર્યાલય તરફથી એક પત્ર જારી કરાયો છે, જેમાં કહેવાયું છે કે ચાલક અને સહાયક ચાલક એન્જિનમાં સવાર થતાં પહેલાં મોબાઇલ ફોન બંધ કરી દેશે. સ્ટેશન પર ટ્રેન રોકાવા અને ઇમર્જન્સીમાં જ તેને ઓન કરશે.

ચાલતી ટ્રેનમાં વોકીટોકીનાે પ્રયોગ ન કરવાના પણ આદેશ અપાયા છે. ડ્રાઇવરોની દેખરેખ કંટ્રોલરૂમના અધિકારીઓ કરશે. લોકો ઇન્સ્પેકટરને પણ ચેકિંગના આદેશ અપાયા છે. જો નિયમનું ઉલ્લંઘન થશે તો ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરને સસ્પેન્ડ કરાશે. વધતા જતા ધુમ્મસને ધ્યાનમાં રાખતાં ઉત્તર રેલવેએ ટ્રેનોની ગતિ લઘુતમ ૩૦થી મહત્તમ ૬૦ કિ.મી. પ્રતિકલાક નક્કી કરી છે.

You might also like