સાઉદીમાં ફસાયેલા ભારતીયની આપઘાતની ધમકીઃ સુષમાએ કહ્યું, ‘હમ હૈ ના’

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જાણીતાં છે. ગઇ કાલે વિદેશ પ્રધાને સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો વિશ્વાસ અપાવ્યો છે. અલી નામના એક યુઝરે જણાવ્યું કે તે ર૧ મહિનાથી સાઉદીમાં ફસાયો છે અને જો તેને મદદ નહીં કરાય તો તે આત્મહત્યા કરી લેશે. તેના પર સુષમાએ કહ્યું કે આત્મહત્યા અંગે ન વિચારો, હમ હૈ ના (અમે છીએ ને).

વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું દૂતાવાસ તમને પૂરી મદદ કરશે. તેમણે દૂતાવાસ પાસે રિપોર્ટ પણ માગ્યો છે. અલીએ દૂતાવાસની મદદ માગતાં લખ્યું છે કે તે દૂતાવાસ પાસે છેલ્લા એક વર્ષથી મદદ માગે છે, તેનાં ચાર બાળકો છે. જો તેમને ભારત મોકલી દેવામાં આવે તો આ તેના માટે મોટી મદદ હશે. તેણે એમ પણ લખ્યું કે ભારતમાં તેનો પરિવાર તકલીફમાં છે. તે સાઉદી અરબમાં છેલ્લા ર૧ મહિનાથી રજા લીધા વગર કામ કરી રહ્યો છે, જોકે બાદમાં આ ટ્વિટને હટાવી દેવાયું હતું.

એક અન્ય યુઝરે સુષમાને ટેગ કરતાં લખ્યું કે અમારા એક સહયોગીનું ૧૦ એપ્રિલે લંડનના બાથ રોડ પર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, તેનો પરિવાર ગુજરાતી છે. પરિવાર લાશને ભારત લાવવાનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી. આ ઘટનામાં તમે શું મદદ કરી શકો? તેના જવાબમાં સુષમાએ લખ્યું કે હું લંડન દૂતાવાસને પરિવારને મદદ કરવા જણાવી રહી છું.

You might also like