શેરબજારમાં આગેકૂચ જારી રહી

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૩૪૮ પોઇન્ટનો ઉછાળો જોવાયા બાદ આજે પણ સુધારો જારી રહેલો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૯૦ પોઇન્ટના સુધારે ૨૫,૧૧૪ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૬ પોઇન્ટના સુધારે ૭,૬૯૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. ખાસ કરીને ઓટોમોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના સ્ટોક્સમાં મજબૂત ઉછાળો જોવાયો હતો.

આ વખતે ચોમાસું સારું રહે તેવા બહાર આવેલા અહેવાલ પાછળ શેરબજારમાં સુધારો નોંધાયો હતો. એટલું જ નહીં ચોથા ત્રિમાસિક સમયગાળાનાં કોર્પોરેટ કંપનીનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં સારા આવે તેવી શક્યતાઓ પાછળ વિદેશી રોકાણકારોની લેવાલીએ શેરબજારમાં સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૧.૬૩ ટકા, લ્યુપિન કંપનીના શેરમાં ૧.૪૯ ટકા, જ્યારે હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૧.૩૫ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ હિંદાલ્કો કંપનીના શેરમાં ૨.૧૭ ટકા, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૨.૧૬ ટકા, જ્યારે કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૦.૭૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક સોનું ૧૨૫૭ ડોલરે
વૈશ્વિક સોનાના ભાવમાં સુધારો જારી રહેલો જોવા મળ્યો છે. સોનું ૧૨૫૦ ડોલરની મહત્ત્વની સપાટી ક્રોસ કરી ૧૨૫૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે. એ જ પ્રમાણે ચાંદી પણ ૧૫ ડોલરની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી છે.

You might also like