શેરબજારમાં સળંગ ચાર દિવસના સુધારામાં સેન્સેક્સ ૫૫૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: પાછલાં સપ્તાહે બ્રેક્ઝિટ પરિણામની અસરે શેરબજારમાં કડાકો બોલાઇ ગયો હતો, પરંતુ ત્યાર બાદ આજે સળંગ ચોથા સેશનમાં શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૨૨૧ પોઇન્ટના સુધારે ૨૬,૯૬૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૦ પોઇન્ટના સુધારે ૮૨૫૦ની ઉપર ૮૨૬૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. ચાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૫૫૦ પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. નોંધનીય છે કે આજે જૂન એક્સપાયરી છે.

વૈશ્વિક બજારોનાં સપોર્ટે સ્થાનિક બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની ખરીદી તથા સરકારે સાતમા પગારપંચની જાહેરાત કરતાં બજારમાં નાણાકીય પ્રવાહિતા વધશે તેવા સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેન્ક સેક્ટરમાં સુધારો નોંધાયો હતો. એસબીઆઇમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. ડો. રેડ્ડીઝ લેબ્સ, ગેઇલ અને ભેલ કંપનીના શેરમાં પણ મજબૂત ચાલ નોંધાઇ હતી.

જુલાઈમાં જોવાયેલ સેન્સેક્સની વધ-ઘટ
વર્ષ            સેન્સેક્સની વધ-ઘટ
૨૦૧૫          + ૩૩૪
૨૦૧૪          + ૪૮૧
૨૦૧૩           – ૫૦
૨૦૧૨           – ૧૯૩
૨૦૧૧           – ૬૪૮

You might also like