ર૦રર સુધીમાં ભારતીય રેલવેનું વીજળીકરણ કરાશે ૧૦૦ ટકા

ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતીય રેલવેનું ૧૦૦ ટકા વીજળીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને બહાલી અપાઇ હતી. હવે આ પ્રસ્તાવ અનુસાર દેશની તમામ બ્રોડગેજ રેલવે લાઇનોનું વીજળીકરણ કરવામાં આવશે.

કેબિનેટ બેઠક બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે વીજળીકરણના પગલે ભારતીય રેલવેના ઇંધણ બિલમાં રૂ.૧૩,પ૧૦ કરોડની પ્રતિવર્ષ બચત થશે. વીજળીકરણ પાછળ રૂ.૧ર,૧૩૪.પ૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ માટે ર૦ર૧-રર સુધીની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.

ભારતીય રેલવેના ૧૦૦ ટકા વીજળીકરણનાં કારણે ટ્રેનોનું સંચાલન કોઇ પણ જાતના અવરોધ વગર થઇ શકશે. વીજળીકરણથી રેલવેની લાઇન ક્ષમતા વધારવામાં પણ મદદ મળશે. વીજળીકરણનાં પગલે સિગ્નલ સિસ્ટમથી ટ્રેન સંચાલન વધુ સુર‌ક્ષિત અને સરળ બનશે.

વીજળી ટ્રેક્શન અપનાવવાથી ઇંધણ પાછળ પ્રતિવર્ષ રૂ.૧૩,પ૧૦ કરોડનો ખર્ચ બચી જશે. પેટ્રોલિયમ આધારિત ઇંધણની આયાત નિર્ભરતાનાં અભાવથી દેશની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે. આ નિર્ણય હેઠળ કુલ ૧૩,૬૭પ રૂટ કિલોમીટર એટલે કે ૧૬,પ૪૦ ટ્રેક કિલોમીટરનું વીજળીકરણ કરવામાં આવશે.

You might also like