રેલવેયાત્રીઓ માટે અલાઉદ્દીનના ‘ચિરાગ’ની સુવિધા તહેનાત કરાશે

મુરાદાબાદ: ટ્રેનોમાં યાત્રીઓની સમસ્યાના સમાધાન માટે રેલવે વિભાગે અલાઉદ્દીન કા ચરાગની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે અને તેને સર્વિસ કેપ્ટનનું નામ આપવામાં આવશે. જે યાત્રીઓની સમસ્યા થોડી જ મિનિટોમાં હલ કરી દેશે. જેમાં પછી તે પંખાની સમસ્યા હોય કે કોઇ બીમાર યાત્રીને દવાની જરૂર હોય.

ટ્રેનોમાં યાત્રીઓને મોટા ભાગે એવી ફરિયાદ રહેતી હોય છે કે તેમને કોચમાં પીવાનું પાણી, સારું ખાવાનું તેમજ વીજળીના ઉપકરણોની સારી સુવિધા મળતી નથી. અથવા ઇમર્જન્સી વખતે જરૂરી દવાઓ મળી શકતી નથી. તેથી રેલવે વિભાગે યાત્રીઓની આવી સમસ્યાને હલ કરવા જરૂરી સુવિધા આપવા આ પ્રકારની વ્યવસ્થા કરવા આયોજન કર્યું છે. આ તમામ કામ માટે અગાઉ યાત્રીઓને રેલવેના વિવિધ વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરવો પડતો હતો.

હવે રેલવે વિભાગે યાત્રીઓની આવી સમસ્યાઓના ઉકેલ માટે તાત્કાલિક સમાધાન માટે એક વરિષ્ઠ અધિકારીઓની સમિતિની રચના કરી છે. સમિતિના માર્ગદર્શન મુજબ હવે યાત્રીઓની સુવિધા માટે આવું આયોજન કરવામાં આવશે. જે મુજબ ટ્રેનમાં એક અથવા બે સર્વિસ કેપ્ટન તહેનાત કરવામાં આવશે. તેમના યુનિફોર્મ અલગ રહેશે. તેમજ યુનિફોર્મમાં અનેક પોકેટ જોવા મળશે.

જેમાં એક પોકેટમાં વીજળીના સાધનોના ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ બીજા પોકેટમાં તાવ, શરદી કે અન્ય બીમારીને લગતી દવાઓ જોવા મળશે. આ ઉપરાંત ઉંદર તેમજ વંદાને મારવાની દવા તેમજ અન્ય સુવિધાઓ પણ મળશે.

તમામ કોચમાં સર્વિસ કેપ્ટનનો મોબાઇલ નંબર લગાવવામાં આવશે. જેના આધારે યાત્રીઓ તેમની સમસ્યા રજૂ કરીને યોગ્ય સુવિધા મેળવી શકશે. હાલ આવા કેપ્ટનને બે વર્ષ માટે તહેનાત કરવામાં આવશે. જેઓ રેલવેના અધિકારીઓ અને સમિતિના સીધા સંપર્કમાં રહેશે

You might also like