સુરેશ પ્રભુ હવે મુસાફરોને ટ્રેનમાં રેડિયો સંભળાવવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ જલ્દી ટ્રેનમાં રેડિયો ગુંજતો જોવા મળશે. રેલવે પોતાની તમામ ગાડીઓ અને સ્ટેશનો પર એફએમ રેડિયો દ્વારા રેલવેનો રેડિયો લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ માટે રેલવે વિભાગ સૂચના અને પ્રસારણ વિભાગ પાસે લાયસન્સ લેવા માટે નહીં જાય. રેલવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેની જરૂર નહીં રહે કારણકે રેલવે ઇન્ટરનેટ આધારીત રેડિયો ચેનલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ટરનેટ આધારીત રેડિયો માટે અલગથી લાયસન્સ લેવાની જરૂર નહીં રહે.

રેલવેના ઉચ્ચ અધિકારીઓના મતે ટ્રેનમાં એફએમ રેડિયોની શરૂઆત કરવી શક્ય નથી. તેથી સૌથી અસરકાર અને લાંબા સમય સુધી ચાલી શકે તેઓ એક રસ્તો ઇન્ટરનેટ આધારિત રેડિયો ચેનલ છે. રેલવે ધીરે ધીરે તમામ રેલવે સ્ટેશન પર હાઇ સ્પીડ વાઇફાઇ સેવા આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે રેલવેએ યોજના બનાવી છે કે દરેક ટ્રેન પર 6 કલાક સુધી કન્ટેન્ટને ડાઉનલોડ કરીને પ્રસારણ માટે સર્વર લગાવવામાં આવશે. આ સર્વરથી રેડિયો ચેનલનું પ્રસારણ કરવામાં આવશે. જ્યાં નેટ સેવા પ્રાપ્ય હશે. ત્યાં રેડિયો ચેનલ સીધા ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારીત થશે. મળતી માહિતી મુજબ દરેક રેલવે ઝોનમાં ત્યાંની ભાષામાં રેલ રેડિયોનું પ્રસારણ કરવામાં આવશે. એટલે કે જેવો પ્રદેશ તેની ભાષા. રેડિયોના પ્રસારણ માટે વિવિધ જગ્યા પર સ્પિકર લગાવવામાં આવશે. જરૂરત પ્રમાણે રેલ રેડિયો પર જરૂરી એનાઉસમેન્ટ પણ કરવામાં આવશે.

રેલવેના આંકડા પ્રમાણે દેશભરમાંથી લગભગ 2.5 કરોડ લોકો પેસેન્જર એક્સપ્રેસ ગાડિયોમાં મુસાફરી કરે છે. તેથી આટલા મુસાફરો તો રોજ રેડિયો સાંભળશે જ. હાલ દેશભરમાંથી 12 કરોડ લોકો રેડિયો સાંભળે છે. અહીં રેડિયો પર 2500 કરોડ રૂપિયાનું વાર્ષિક જાહેરાતનું બજાર છે. તેથી રેલવેએ એવો અંદાજ લગાવ્યો છે કે તેઓ રેલવે રેડિયોના માધ્યમથી 500 કરોડ જાહેરાત  પર કબ્જો હાંસલ કરી શકશે. એટલેકે રેલવે રેડિયોનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ મામલે હાલ રેલવે દ્વારા ટેન્ડર મંગાવવામાં આવી રહ્યાં છે.

You might also like