ફ્લેકસી ફેરઃ હવે 10 નહીં, પરંતુ 20 ટકા ટિકિટના વેચાણ બાદ ભાડાં વધશે

નવી દિલ્હી: રેલવે પ્રધાન પીયૂષ ગોયલના ફલેક્સી ફેર સિસ્ટમ બંધ કરવાના સ્પષ્ટ ઇનકાર બાદ હવે એવા નિર્દેશ મળી રહ્યા છે કે ફલેક્સી ફેર ભલે સંપૂર્ણપણે સમાપ્ત ન થાય, પરંતુ તેમાં થોડા ફેરફાર કરીને પ્રવાસીઓને રાહત ચોક્કસ આપવામાં આવશે. રેલવેમાં છેલ્લા દોઢ વર્ષથી ફલેક્સી ફેરને લઇને ચર્ચા ચાલી રહી છે કે તેને બંધ કરવા જોઇએ કે નહીં.

રેલવેસૂત્રોના જણાવ્યા અનુસાર હવે રેલવેમાં પુનઃ એવી વિચારણા કરવામાં આવી રહી છે કે પ્રવાસીઓને ફલેકસી ફેરની બાબતમાં કઇ રીતે રાહત આપવામાં આવે. આ માટે ફલેક્સી ફેર સિસ્ટમમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવી શકે છે.

હાલ જો ૧૦ ટકા સીટની ટિકિટ વેચાયા બાદ ૧૦ ટકા ભાડું વધારવામાં આવે છે તેના બદલે ર૦ ટકા સીટની ટિકિટ વેચાયા બાદ ભાડું વધારવામાં આવશે અથવા તો એવું પણ થઇ શકે છે કે ભાડામાં ૧૦ ટકા વધારાના બદલે પાંચ ટકાનો તબક્કાવાર વધારો કરવામાં આવશે.

અા ઉપરાંત અન્ય કોઇ પણ ફોર્મ્યુલા પણ લાગુ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફલેકસી ફેર હેઠળ રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનને આવરી લેવામાં આવી છે.

આ ટ્રેનોમાં જ્યારે એક નિર્ધારિત મર્યાદા કરતાં ટ્રેનની ટિકિટો વેચાઇ જાય છે તો ત્યાર બાદ પ્રત્યેક ટિકિટ પર ૧૦ ટકાનો ભાડા વધારો લાગુ કરવામાં આવે છે. ફલેકસી ફેર સિસ્ટમનો સપ્ટેમ્બર-ર૦૧૬થી અમલ કરવામાં આવી રહ્યો છે.

ગત નાણાકીય વર્ષમાં રેલવેને ફલેકસી ફેર હેઠળ રૂ.૮૬ર કરોડની વધારાની આવક થઇ હતી. હવે આ સિસ્ટમને ચાલુ રાખવાની તરફેણ કરનારા અધિકારીઓની દલીલ છે કે ઘણા લાંબા સમયથી ટ્રેનના ભાડામાં વધારો કરવામાં નહીં આવ્યો હોવાથી ફલેકસી ફેર સિસ્ટમ દ્વારા જે વધારાની આવક વધી રહી છે તે ચાલુ રાખવી જોઇએ.

અધિકારીઓનું એવું કહેવું છે કે રાજધાની, શતાબ્દી જેવી ટ્રેનમાં સામાન્યતઃ મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકો પ્રવાસ કરતા હોય છે કે જેઓ આટલું ભાડું ચૂકવવા સક્ષમ હોય છે, પરંતુ રેલવેમાં એક વર્ગનું કહેવું એવું છે કે તેનાથી રાજધાની અને શતાબ્દીના કેટલાક વર્ગના ભાડાં એટલી હદે વધી જાય છે કે વિમાની ભાડાની સમકક્ષ પહોંચી જાય છે અને તેથી લાંબાગાળે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવીટ્રેનોમાં પ્રવાસ કરતા રેલવે પ્રવાસીઓ વિમાની સેવા તરફ વળી શકે છે, જેને કારણે રેલવેને લાંબાગાળે નુકસાન થઇ શકે છે.

આ સંજોગોમાં આ વર્ગે એવી માગણી કરી છે કે રેલવે પ્રવાસીઓને ફલેકસી ફેરમાં રાહત આપવી જોઇએ કે જેથી તેઓ વિમાની સેવા તરફ ન વળે અને રેલવે નુકસાન ન થાય.

You might also like