2018માં રેલવે બનશે એકદમ Hi-Tech, ISRO કરશે મદદ

નવી દિલ્હી, શનિવાર
રેલવે રિયલ ટાઇમ મોનિટરિંગ માટે ટ્રેનના એન્જિનને સેટેલાઇટ સાથે લિંક કરશે. પ્રોજેક્ટને પૂરો કરવા માટે રેલવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ની મદદ લઇ રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ટેક્નોલોજીથી ટ્રેનને ટ્રેક કરવા અને તેમાં હાજર ક્રૂ સાથે વાત કરવામાં સરળતા રહેશે. વર્ષના અંત સુધી તમામ ૧૦૮૦૦ એન્જિનમાં એન્ટેના ફિક્સ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

રેલવે બોર્ડના એક સિનિયર મેમ્બરના દર્શાવ્યા પ્રમાણે આ ટ્રેનનું મોનિટરિંગ સીધું ડ્રાઇવરની કેબિનમાંથી થશે. અત્યારે ૧૦ એન્જિનમાં તેનો ટ્રાયલ થઇ ચૂક્યો છે અને ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં આ સિસ્ટમને તમામ એન્જિનમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.

આ અંગે રેલવે વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર માનવરહિત ક્રોસિંગ પર એક્સિડન્ટ્સ રોકવા રેલવે ઈસરો સાથે એક પાઇલટ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યું છે. રેલવેએ ઘણી ટ્રેનનાં એન્જિનમાં ઇસરોએ બનાવેલી આઈસી ચિપ ઇન્સ્ટોલ કરી છે, જેને ‘નાવિક’ (એનએવીઆઈસી) સેટેલાઇટ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. રેલવે માનવરહિત ક્રોસિંગ પર એક એલર્ટ સિસ્ટમ લગાવશે. સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા ટ્રેનના આવવાના સમયે જોરથી એક હૂટર વાગશે, જેનાથી ક્રોસિંગ પાર કરનારા લોકોને એલર્ટ કરી શકાશે.

You might also like