ફરીથી મોંઘવારીનો માર, પેટ્રોલ બાદ રેલવેના ભાડાં વધ્યાં, જાણો શેમાં વધ્યું ભાડું?

નવી દિલ્હી, બુધવાર
રેલવે પ્રવાસીઓને હવે વધુ મોંઘવારીનો માર પડશે. રેલવે પ્રવાસીઓને ખાસ કરીને નીચેની બર્થનો વિકલ્પ પસંદ કરવા અથવા તહેવારોની મોસમમાં પ્રવાસ કરવા માટે પોતાના ખિસ્સા વધુ હળવા કરવા પડશે. રેલવે મંત્રાલયે પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું વસુલ કરવાની એક નવી રીત શોધી કાઢી છે. રેલવેની ભાડા સમીક્ષા સમિતિએ પ્રવાસીઓને રિઝર્વ કોચમાં નીચેની બર્થ કે બેઠક આપવા માટે તેમજ તહેવારોની મોસમમાં વધુ ભાડા વસૂલ કરવાની ભલામણ કરી છે.

જો રેલવે બોર્ડ સમીક્ષા સમિતિની ભલામણોનો સ્વીકાર કરી લીશે તો રેલવે પ્રવાસીઓને નીચેની બર્થ મેળવવા અથવા તહેવારની મોસમમાં ટિકિટ બુક કરાવવા માટે વધુ પેમેન્ટ ચૂકવવું પડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા સિસ્ટમની સમીક્ષા માટે રચાયેલી સમિતિએ સૂચન કર્યું છે કે રેલવેએ એરલાઈન્સ અને હોટલોની જેમ ડાયનેમિક કોસ્ટ મોડલ અપનાવવું જોઈએ. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુવિધા જનક ટાઈમ ટેબલ અને કોઈ સ્પેશિયલ રૂટ પર લોકપ્રિય ટ્રેનોના ભાડા વધી શકે છે.

સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે એક ભાડું રાખવાના બદલે રેલવેએ તહેવારની મોસમ દરમિયાન ભાડું વધારી દેવું જોઈએ. જ્યારે ઓછા વ્યસ્ત સમય દરમિયાન ભાડામાં ઘટાડો કરવો જોઈએ.

આ ઉપરાંત જે રીતે વિમાનમાં પ્રવાસીઓને આગળની હરોળની બેઠકો માટે વધુ પેમેન્ટ ચૂકવવું પડે છે એ રીતે ટ્રેનોમાં પણ પ્રવાસીઓ પાસેથી તેમની પસંદગીની ખાસ કરીને નીચેની બર્થ માટે વધુ ભાડું વસૂલ કરવું જોઈએ એવું સૂચન સમીક્ષા સમિતિએ કર્યું છે.

એ જ રીતે અસુવિધાજનક સમય દરમિયાન એટલે કે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી ૪.૦૦ વાગ્યા સુધી અને બપોરે ૧.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી પહોંચતી ટ્રેનો માટે યાત્રીઓને પ્રવાસી ભાડામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

You might also like