ભારતીય બોલર્સની કમાલઃ છેલ્લી 6માંથી 5 ટેસ્ટમાં ઝડપી ૨૦ વિકેટ

લંડનઃ વિદેશી ધરતી પર ભારતીય બોલર્સ માટે એક ટેસ્ટમાં હરીફ ટીમની ૨૦ વિકેટ ઝડપવી અગાઉ બહુ મુશ્કેલ કામ હતું. દિગ્ગજ કપિલ દેવ, જવાગલ શ્રીનાથે ઘણી વાર હરીફ ટીમના ટોપ ઓર્ડરને તો ધ્વસ્ત કરી નાખ્યો, પરંતુ તેઓ પણ હરીફની ટીમ ૨૦ વિકેટ એક ટેસ્ટમાં ઝડપવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે વિરાટે ટીમનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે તે આ જ બાબત પર કામ કરવા ઇચ્છતો હતો.

હાલ વિરાટ અને ટીમ મેનેજમેન્ટની આ વિચારસરણી સચોટ સાબિત થઈ રહી છે. ભારતીય બોલર્સે વિદેશી ધરતી પર રમેલી પોતાની છેલ્લી છમાંથી પાંચ ટેસ્ટમાં વિપક્ષી ટીમને બંને દાવમાં ઓલઆઉટ કરી દીધી છે. ભારત છેલ્લી છમાંથી ત્રણ ટેસ્ટ દક્ષિણ આફ્રિકામાં રમ્યું અને ત્રણ ટેસ્ટ ઈંગ્લેન્ડમાં રમ્યું.

કોચ રવિ શાસ્ત્રીએ નોટિંગહમ ટેસ્ટ બાદ કહ્યું હતું, ”આ ભારતનું અત્યાર સુધીનું સૌથી સારું બોલિંગ આક્રમણ છે.” ભારતે વર્ષ ૧૯૮૬માં ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડને સતત ઓલઆઉટ કરવામાં ભારતને સફળતા મળી હતી.

ઈશાંત શર્મા, હાર્દિક પંડ્યા અને મોહંમદ શમી ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણેય ટેસ્ટમાં રમ્યા છે અને ખુદને સાબિત કરી ચૂક્યા છે. ઈશાંતે ત્રણ મેચમાં ૧૧, હાર્દિકે નવ અને શમીએ આઠ વિકેટ ઝડપી છે, જ્યારે જસપ્રીત બૂમરાહને નોટિંગહમ ખાતેની ત્રીજી ટેસ્ટમાં રમવાની તક મળી અને તેણે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી. ઉમેશ યાદવે પણ એક ટેસ્ટમાં ત્રણ વિકેટ ઝડપી છે.

ભારતનો સૌથી શાનદાર સ્વિંગ બોલર ભુવનેશ્વરકુમાર હાલ ઈજાને કારણે ટીમની બહાર છે. આ સ્થિતિમાં અન્ય બોલર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તા. ૩૦ ઓગસ્ટથી સાઉથમ્પ્ટનમાં શરૂ થનારી ચોથી ટેસ્ટમાં બેટિંગ કરવી આસાન નહીં હોય. ચોથી ટેસ્ટ પણ બોલર્સના પ્રભુત્વવાળી બની રહે તેવી શક્યતા છે.

You might also like