‘ઇન્ડિયન ડોગ્સ ગો બેક’: કાશ્મીરથી આવતાં સફરજન પર ભારત વિરોધી નારા

હિસાર: સર્જિકલ સ્ટ્રાઈકને હજુ થોડો જ સમય વિત્યો છે ત્યાં કાશ્મીરથી અાવતાં સફરજન પર ભારત વિરોધી શબ્દોનો પ્રયોગ કરીને ભડાશ નીકળી રહી છે. સિરસા શાકભાજી મંડળમાંથી ખરીદાયેલાં સફરજનની પેટીઅોમાં કેટલાંક સફરજન એવાં નીકળ્યાં જેમાં ભારત વિરોધી પ્રચાર કરાયો છે. ‘ઇન્ડિયન ડોગ્સ ગો બેક’ જેવા દેશ વિરોધી નારા સફરજન પર લખાયેલા મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઅો સક્રિય બની છે.

બોક્સમાંથી બહાર કઢાયેલાં સફરજનમાં અંગ્રેજીમાં ભારત વિરોધી સૂત્ર અને વાંધાજનક શબ્દો લખેલા મળ્યા. એક સફરજન પર લખ્યું હતું કે વી વોન્ટ ફ્રીડમ, વી અાર ફ્રીડમ ફાઈટર ફોર્મ કાશ્મીર પુલવામાં. બીજા સફરજન પર ઇન્ડિયન ડોગ્સ ગો બેક અને ઇન્ડિયન પિગ્સ જેવા શબ્દો લખેલા મળ્યા. એક સફરજન પર કે અભિર બ્રધર્સ એન્ડ સન્સ લખેલું છે. કાશ્મીરથી અાવેલાં સફરજન પર જે શબ્દોના પ્રયોગ થયા છે તે વાંધાજનક છે અને દેશ વિરોધી છે. સફરજનનું બોક્સ ખરીદનાર વ્યક્તિઅે મીડિયાને જણાવ્યું કે ભારતીય સેનાને કાશ્મીરીઅો કેવી રીતે ભૂલી શકે જે દરેક સમયે મદદ માટે તૈયાર રહે છે. જ્યારે પૂર અાવે ત્યારે તેમને ખભા પર ઊંચકીને સુરક્ષિત સ્થળો સુધી લઈ જનાર સેના જ હતી.

સફરજન પર ભારત વિરોધી પ્રચારની સૂચના બાદ ગુપ્તચર એજન્સીઅો સક્રિય બની છે. સપ્લાય ત્યાંથી અાવી અને કાશ્મીરની કઈ ફર્મથી સફરજન ખરીદાયેલાં છે તે માહિતી પણ એકત્રિત થઈ રહી છે. અા બાબતની ફરિયાદ હજુ પોલીસમાં થઈ નથી.

ટામેટાંના ભાવે સફરજન
એલઅોસી પર અાતંકી કેમ્પોને ખતમ કરવા માટે કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને કારણે બજારમાં સફરજનની અાવક વધી છે. સરહદ પર તણાવને જોતાં કાશ્મીરી ખેડૂતો ખૂબ જ જલદી સફરજન તોડીને વેચી રહ્યા છે. તેઅો નુકસાનથી બચવાની કવાયતમાં લાગ્યા છે. અલગાવવાદી હુર્રિયત કોન્ફરન્સે સફરજન તોડવા માટે ખેડૂતોને ૧૨ અોક્ટોબર સુધીનો સમય અાપ્યો છે. કાશ્મીરમાં ત્રણ મહિનાથી ચાલી રહેલો કરફ્યુ અને હવે સરહદ પર તણાવની અસર કાશ્મીરી સફરજનના બિઝનેસ પર પડી રહી છે. જથ્થાબંધમાં ૩૦થી ૭૦ રૂપિયે કિલોના ભાવે જ્યારે રિટેલમાં ૬૦થી ૧૨૦ રૂપિયે કિલોના ભાવે સફરજન વેચાઈ રહ્યાં છે. સરહદ પર ચાલી રહેલા તણાવના કારણે કાચાં પાકાં ગમે તેવાં સફરજન તોડીને વેચાઈ રહ્યાં છે.

You might also like