ઓલિમ્પિક માટે દેબોરા ચાર વર્ષથી પોતાના ઘેર નથી ગઈ

નવી દિલ્હીઃ સુનામીથી બચી ગયેલી દેબોરા હેરોલ્ડે પાછલાં ચાર વર્ષથી પોતાનાં માતા-પિતાને જોયાં નથી અને આ સાઇકલિસ્ટ હજુ બે વર્ષ પોતાના ઘેર નહીં જાય, કારણ કે ૨૦૨૦ના ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનું સપનું પૂરું કરવા ઇચ્છે છે.

દેબોરા ૧૮ ફેબ્રુઆરી ૨૨ વર્ષની થઈ જશે. જાન્યુઆર ૨૦૧૩માં તે ૧૭ વર્ષની ઉંમરે અહીં આવી હતી અને ત્યારથી ઇન્દિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમમાં જ રહે છે. તે આંદામાન અને નિકોબાર ટાપુમાં ડિસેમ્બર, ૨૦૦૪માં આવેલી સુનામી દરમિયાન પાંચ દિવસ સુધી એક ઝાડ પર રહીને પાંદડાં અને ઝાડની છાલ ખાઈને જીવતી રહી હતી.

દેબોરાએ કહ્યું, ”હું અહીં જાન્યુઆરી ૨૦૧૩માં આવી હતી અને ત્યારથી ઘેર નથી ગઈ. ચાર વર્ષથી માતા-પિતાને મળી નથી, ફક્ત ફોન પર જ વાત કરી છે. હું હાલ તેમને મળવા નથી માગતી, કદાચ આગામી બે-ત્રણ વર્ષ હજુ મળી શકીશ નહીં, કારણ કે ૨૦૨૦ના ઓલિમ્પિક માટે હું ક્વોલિફાય કરવા માગું છું. આ જ મારું સપનું છે. જો હું મેડલ જીતીશ તો એ બહુ જ સારું રહેશે, પરંતુ પહેલાં મારે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવું રહ્યું. આંદામાન-નિકોબારથી હજુ સુધી કોઈ ઓલિમ્પિકમાં ગયું નથી અને હું આવું કરવું ઇચ્છું છું.”

દેબોરા ૩૫ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહી છે, જે આજથી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શરૂ થયેલી ૩૭મી એશિયન ટ્રેક સાઇકલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. દેબોરા ચાર સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ચેમ્પિયનશિપમાં ૧૮ એશિયન દેશના ૫૦૦ સાઇકલિસ્ટ ભાગ લઈ રહ્યા છે. આમાં ચીન, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, ઈરાન, જાપાન, કઝાકિસ્તાન, કોરિયા, મલેશિયા, મંગોલિયા વગેરે સામેલ છે.
http://sambhaavnews.com/

You might also like