ટી-૨૦ ત્રિકોણીય શ્રેણી માટે કોલંબો પહોંચી ટીમ ઇન્ડિયા

કોલંબોઃ રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાના શરૂ થઈ રહેલી ટી-૨૦ ત્રિકોણીય શ્રેણી માટે અહીં આવી પહોંચી છે. કેપ્ટન વિરાટ અને મહેન્દ્રસિંહ ધોની સહિત ટોચના ખેલાડીઓને ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટ આવતી કાલ મંગળવારથી શરૂ થઈ રહી છે.

આવતી કાલે ટીમ ઇન્ડિયા કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યજમાન શ્રીલંકા સામે ટકરાશે. ફાઇનલ મુકાબલો ૧૮ માર્ચે રમાશે. ત્રણેય દેશની ટીમ એકબીજા સામે બે-બે મેચ રમશે અને ટોચના સ્થાને રહેનારી બે ટીમ ફાઇનલમાં રમશે. બધી મેચ કોલંબોમાં રમાશે. આ શ્રેણી શ્રીલંકાના ૭૦મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયા માટે આ શ્રેણી હાર-જીત કરતાં વધુ એ યુવા ખેલાડીઓના દૃષ્ટિકોણથી વધુ મહત્ત્વપૂર્ણ છે, જેમને પસંદગીકારોએ આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તક આપી છે.

યુવાઓની ફોજઃ પસંદગીકારોએ છ યુવા ખેલાડીઓને તક આપી છે. આ ખેલાડીઓમાં દીપક હૂડા, વોશિંગ્ટન સુંદર, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, મોહંમદ સિરાઝ અને ઋષભ પંતનો સમાવેશ થાય છે. આ અર્થ એ જ થાય છે કે આ ટીમ યુવાઓની ફોજ છે. હવે જોવાનું એ રહે છે કે કોણ કેટલું અસરકારક રહે છે.

વિકેટકીપિંગ કોણ કરશે?ઃ ભારતીય ટીમમાં બે િવકેટકીપર છે – દિનેશ કાર્તિક અને ઋષભ પંત. અત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું છે કે અંતિમ ઈલેવનમાં કોને સ્થાન મળશે અને ટીમ ઇન્ડિયા કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઊતરશે.

મયંક અંગેની ચર્ચા હજુ ખતમ નથી થઈઃ ટીમની પસંદગીને લઈને ભારતીય ઘરેલુ ક્રિકેટ ઇતિહાસમાં બે હજારથી વધુ રન બનાવનારા એકમાત્ર બેટ્સમેન મયંક અગ્રવાલની આ ટૂર્નામેન્ટ માટે પસંદગી ના થવી એ હજુ પણ ક્રિકેટ ચાહકોની સમજની બહાર છે. ત્રણેય ટીમ એકબીજા સામે બે-બે મેચ રમશે. ભારત પોતાની ચાર મેચ ૬, ૮, ૧૨ અને ૧૪ માર્ચે રમશે. ફાઇનલ મુકાબલો ૧૮ માર્ચે રમાશે.

માહેલાની અસર યજમાન ટીમ પર દેખાશેઃ ગત સપ્તાહે જ શ્રીલંકાના મહાન બેટ્સમેન માહેલા જયવર્ધને મેન્ટોર તરીકે શ્રીલંકાની ટીમ સાથે જોડાઈ ગયો છે. આ દિગ્ગજ ખેલાડી સતત શ્રીલંકાની ટીમ સાથે નેટ પ્રેક્ટિસમાં ખેલાડીઓને દરેક રીતે મદદ કરી રહ્યો છે. હવે ફાયદો કેટલો થશે એ આવનારા દિવસોમાં જોવા મળશે.

૨૦૦થી વધુ પત્રકારો હાજરઃ ભારતીય સ્ટાર ખેલાડીઓ ભલે શ્રીલંકામાં ના રમી રહ્યા હોય, પરંતુ ટૂર્નામેન્ટની ચમક સંપૂર્ણપણે જળવાયેલી છે. એનું ઉદાહરણ છે ૨૦૦થી વધુ પત્રકારોની હાજરી. આટલા એક્રિડિટેશન કાર્ડ શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ જારી કરી ચૂક્યું છે.

જીવંત પ્રસારણ અને મેચનો સમયઃ ભારતમાં ડીડી સ્પોર્ટ્સ, ડી સ્પોર્ટ્સ અને રિશ્તે સિનેપ્લેક્સ પર મેચનું જીવંત પ્રસારણ થશે. ડી સ્પોર્ટ્સ પર અંગ્રેજી, જ્યારે રિશ્તે સિનેપ્લેક્સ પર હિન્દી કોમેન્ટરીમાં પ્રસારણ થશે. બધી જ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે.

You might also like