ભારતીય કોમેન્ટેટર્સની કમાણી કેટલી?

મુંબઈઃ નિવૃત્તિ બાદ ખેલાડીઓ માટે કોમેન્ટરી આપવી એ જ સૌથી સારો વિકલ્પ બાકી રહે છે. આનું સૌથી શાનદાર ઉદાહરણ રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સેહવાગ, કપિલદેવ, નવજોતસિંહ સિદ્ધુ જેવા ભૂતપૂર્વ ખેલાડી છે. રવિ શાસ્ત્રી પોતાના દમદાર અવાજના કારણે અધધ કમાણી કરી રહ્યો છે. બીસીસીઆઇએ તાજેતરમાં જ ભારતના ટોપ ખેલાડીઓમાં સામેલ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની સેલરી બે ગણી વધારી દીધી. આની સાથે જ આ ખેલાડીઓ આઇપીએલમાં પણ મોટી કમાણી કરી રહ્યા છે. એમ તો અન્ય પ્રોફેશનમાં ૩૫ વર્ષ બાદ લોકો ટોચ પર હોય છે, પરંતુ ક્રિકેટર્સ આ ઉંમરમાં નિવૃત્તિ લેવાનું વિચારે છે. હવે ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે નિવૃત્તિ બાદ તેમની આવકનું શું થતું હશે?

નિવૃત્તિ બાદ ખેલાડીઓ માટે કોમેન્ટેટર તરીકે કરિયર શરૂ કરવાનો જ સૌથી સારો વિકલ્પ બાકી રહે છે. આજે અહીં આવા કોમેન્ટેટર્સની ચોંકાવનારી સેલરી પર નજર કરીએઃ

રવિ શાસ્ત્રીઃ
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને ટીમ ઇન્ડિયાનો પૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રી દુનિયાના શાનદાર કોમેન્ટેટર્સમાંનો એક છે. તેને ઈંગ્લેન્ડ સામે વર્ષ ૨૦૧૬માં રમાયેલી શ્રેણીમાં ૫૬.૯૩ લાખ રૂપિયા ચૂકવાયા હતા. તે હાલ આઇપીએલમાં પણ કોમેન્ટરી કરી રહ્યો છે.

સુનીલ ગાવસ્કરઃ
ભારતનો મહાન ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કર હંમેશાં રવિ શાસ્ત્રી સાથે કોમેન્ટરી બોક્સમાં નજરે પડે છે. ગાવસ્કર હવે પોતાની ગંભીર છબીને બદલીને ઘણા હળવા અંદાજમાં પણ કોમેન્ટરી કરતો નજરે પડે છે. તેની સેલરી પણ લગભગ રવિ શાસ્ત્રી જેટલી જ છે.

સંજય માંજરેકરઃ
રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરથી વિરુદ્ધ સંજય માંજરેકરને તાજેતરમાં ઘણી વાર ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના આ ભૂતપૂર્વ બેટ્સમેનની કમાણી રૂ. ૪૨ લાખ છે.

એલ. શિવરામકૃષ્ણનઃ
શરીરે સાવ પાતળો શિવરામકૃષ્ણન બોલ ઉપરાંત માઇક પર પણ શાનદાર કામ કરતો રહ્યો છે, પછી એ ટેસ્ટ હોય કે ટી-૨૦ ક્રિકેટ. આ ભૂતપૂર્વ સ્પિનર દરેક મેચમાં પોતાના અવાજ દ્વારા પ્રાણ ફૂંકતો રહે છે. હળવા અંદાજવાળા શિવરામકૃષ્ણનને ઈંગ્લેન્ડની શ્રેણી દરમિયાન કોમેન્ટરી કરવાના રૂ. ૪૦ લાખ ચૂકવવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like