ભારતના નાગરિકોને મળે ‘ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ’?

ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેનું રોડ એક્સિડન્ટમાં મોત થતાં મોટા ઉપાડે ‘રોડ સેફ્ટી’ બિલ લાવવાની વાતો શરૂ કરી હતી. જોકે આ વાત પણ એક રાજકીય વચન જેવી જ ખોટી નીવડી છે. હજી સુધી રોડ સેફ્ટીને લઈને કેન્દ્ર સરકારે કોઈ નક્કર પગલાં ભર્યાં નથી. ભારતમાં દર વર્ષે રોડ એક્સિડન્ટમાં અનેક લોકો જાન ગુમાવે છે તો અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.

અકસ્માતના સમયે યોગ્ય સારવાર ન મળતાં ઘણાંએ જીવ ગુમાવવો પડે છે. સમયની કટોકટીમાં આર્થિક નિર્ણય લેવામાં પણ મુશ્કેલી આવતી હોય છે. કેન્દ્ર સરકારે મોડેમોડે પણ એવી નીતિ બનાવી છે કે રોડ એક્સિડન્ટમાં દરેક વ્યક્તિને યોગ્ય સારવાર મળે તે માટે ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સનો પ્લાન ઘડી રહી છે.

માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સુચિત સુધારાઓની જોગવાઈ કરી છે અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાને મફત સારવાર મળવી જોઈએ. આ પ્રસ્તાવને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સારવાર દરમિયાન જે ખર્ચ થશે તે ફંડ ટેક્સ, સેસ, ગ્રાન્ટ, લોન અથવા તો કેન્દ્ર સરકારના આર્થિક સ્ત્રોતમાંથી ઉપયોગ કરવામાં આવશે.

માહિતી પ્રમાણે જો આ બિલને મંજૂરી મળી જશે તો ભારતના પ્રત્યેક નાગરિકને આ સુવિધા મળશે. માર્ગ પરિવહન મંત્રાલય એવું પણ આયોજન કરી રહ્યું છે કે આગામી સમયમાં હાઈવે અને રોડ પર ટ્રોમા કેર સેન્ટર ખોલવામાં આવે જેથી અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે.

You might also like